નવી દિલ્હી: સોશિયલ મીડિયા રૂલ્સને લઇને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે, નવા IT નિયમો યૂઝર્સને મજબૂતિ આપવા માટે બનાવાયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશને આ વર્ષે 11 જૂને સરકારને મોકલવામાં આવેલ માનવાધિકાર પરિષદની વિશેષ પ્રક્રિયા શાખાના ત્રણ રિપોર્ટરો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાનો જવાબ આપ્યો છે.
આ અંગે ભારતે કહ્યું છે કે, આ નિયમોને વર્ષ 2018માં સરકાર દ્વારા નાગરિક સમાજ તથા અન્ય હિતધારકોની સાથે વ્યાપક ચર્ચા બાદ અંતિમ સ્વરૂપ અપાયું હતું.
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે જણાવ્યું કે, ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું છે કે, તેમણે સૂચના ટેક્નોલોજી કાયદો 2021 એટલે કે નવા આઇટી નિયમો તૈયાર કર્યા છે. તેને 25 ફેબ્રુઆરી 2021ના સૂચિત કરવામાં આવ્યા હતા. દેશમાં આ નિયમ 26 મે 2021થી લાગૂ થઇ ગયા છે. નવો આઇટી કાયદો સોશિયલ મીડિયાના સામાન્ય યૂઝર્સને સશક્ત બનાવવા માટે બનાવાયો છે.
સરકારે તે પણ સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના દુરૂપયોગની વધતી ઘટનાઓથી સંબંધિત મુદ્દાને લઈને વ્યાપક ચિંતાઓને કારણે નવા આઈટી નિયમોનો કાયદો જરૂરી થઈ ગયો હતો. ડિજિટલ પ્લેટફોર્મના દુરૂપયોગની ઘટનાઓમાં આતંકવાદીઓની ભરતી માટે લાલચ, અશ્લીલ સામગ્રીનો પ્રસાર, દુશ્મનીનો ફેલાવો, નાણાકીય છેતરપિંડી, હિંસાને પ્રોત્સાહન, જાહેર વ્યવસ્થા વગેરે સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે સરકારે આ વિશે 2018માં વિભિન્ન હિતધારકોની સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં સંસદની સ્થાયી સમિતિએ પણ આઈટી કાયદાના પાલનમાં ટ્વિટરના વલણથી નારાજગી વ્યક્ત કરી હતી.