Site icon Revoi.in

ભારતના યૂઝર્સને દર મહિને 16 સ્પેમ કૉલ્સ આવે છે, જાણો Truecaller ના કેટલાક રસપ્રદ આંકડાઓ

Social Share

નવી દિલ્હી: આજના આ ઝડપી યુગમાં આજે દરેક વસ્તુ લગભગ ફોન પર જ થાય છે અને ફોનના સતત વધતા વપરાશ સાથે આજે લોકો વધુ એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તે છે સ્પેમ કૉલ્સ. દિવસ દરમિયાન અનેક સ્પેમ કૉલ્સથી વ્યક્તિ અકળાઇ જાય છે. વિવિધ પ્રકારના માર્કેટિંગ કે અન્ય કોઇ સ્કીમને લગતા કૉલ્સથી વ્યક્તિ ત્રસ્ત છે. આ વચ્ચે Truecallerએ એક રસપ્રદ ડેટા શેર કર્યો છે જેને વાંચીને તમને પણ આશ્ચર્ય થશે. ટ્રૂ કોલર અનુસાર, એક સ્પેમરે આ વર્ષે ભારતમાં 2020 મિલિયન સ્પેમ કોલ કર્યા છે. એટલે કે દરરોજ લગભગ 6 લાખ 64 હજાર લોકોને એક ફોન નંબર પરથી કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા.

Truecallerએ સ્પેમ કોલને લઇને પોતાનો વૈશ્વિક રિપોર્ટ રજૂ કર્યો છે. અહીંથી આ રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. આ રિપોર્ટમાં જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીનો ડેટા આપવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર કંપની અલગ અલગ જગ્યાએથી ટોચના સ્પેમર્સની યાદી સક્રિયપણે જાળવી રાખે છે. આમ કરીને કંપની તેનું એનાલિસિસ કરીને સ્પેમર્સને બ્લોક કરે છે. ભારતમાં કેટલાક એવા સ્પેમર્સ પણ છે જેણે સૌથી વધુ લોકોને કોલ કર્યા છે. એક જ સ્પેમર દ્વારા દર કલાકે 27 હજાર કોલ કરવામાં આવ્યા છે.

ભારતમાં દિન પ્રતિદિન વધી રહેલા સ્પેન કૉલ્સને કારણે હવે ભારત ટ્રૂ કોલરના ટોપ-20 સૌથી વધુ સ્પેમવાળા દેશોની યાદીમાં, 9માં ક્રમાંકેથી ચોથા નંબર પર આવી ગયું છે. બ્રાઝિલમાં સૌથી વધુ સ્પેમ કોલ્સ આવે છે. બ્રાઝિલમાં, દર મહિને દરેક યૂઝર્સને લગભગ 33 સ્પેમ કૉલ્સ કરવામાં આવે છે. પેરુ બીજા ક્રમાંકે છે જ્યાં યૂઝર્સને દર મહિને લગભગ 18 સ્પેમ કૉલ્સ મળે છે. ભારતની વાત કરીએ તો અહીંયા દર મહિને દરેક યૂઝર્સને 16થી વધુ સ્પેમ કૉલ્સ આવે છે. વૈશ્વિક સ્તરે યૂઝર્સને 3.8 મિલિયન સ્પેમ કૉલ્સ પ્રાપ્ત થયા છે.

રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે સ્પેમ કૉલ્સથી KYC અને OTP જેવા લોકપ્રિય કૌભાંડને સૌથી વધુ અંજામ આપવામાં આવે છે જેમાં ફોન કરીને તમને તમારા કેવાયસી અપડેટ કરવાનું અથવા OTP મોકલવાનું કહેવામાં આવતું હોય છે.  તે ઉપરાંત ટેલિમાર્કેટિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ માટે સૌથી વધુ સ્પેમ કોલ્સ પ્રાપ્ત થાય છે.