Site icon Revoi.in

હવે વોટ્સએપના હેલ્પડેસ્કથી આરોગ્ય અંગે સલાહ મળશે, અંતરિયાળ વિસ્તાર માટે થશે ઉપયોગી

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સને હવે એક નવી સવલત મળવા જઇ રહી છે. હવે વોટ્સએપના માધ્યમથી આરોગ્યની સલાહ મળી રહેશે. કોમન સર્વિસ સેન્ટરે વોટ્સએપ પર ટેલીકન્સલટેશન આપવા માટે CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક નામની હેલ્પલાઇન શરૂ કરી છે. કોવિડ-19નું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે ત્યારે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે આ સેવા શરૂ કરાઇ છે. જેમાં યૂઝર્સ ડૉક્ટર્સ સાથે સંપર્ક સાધી શકશે તેમજ કોવિડ સંબંધિત તમામ સવલતો પ્રાપ્ત કરી શકશે.

વોટસએપ પર આ સેવા હિંદી તેમજ અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે. CSC હેલ્થ સેવા હેલ્પડેસ્ટ તદ્દન મફત છે. હેલ્પડેસ્કનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓને ફક્ત +917290055552 નંબર પર ‘Hi’ મોકલવાનું રહેશે અને ડૉક્ટર સાથે કનેક્ટ થવા માટે વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

વ્હોટ્સએપ હેલ્પડેસ્ક યૂઝર્સને સામાન્ય સ્વાસ્થ્ય તેમજ કોવિડ-19 સંબંધિત તેમની ચોક્કસ સ્વાસ્થ્ય જરૂરિયાતોને આધારે યોગ્ય ડૉક્ટર માટે માર્ગદર્શન આપશે. વિવિધ આરોગ્ય સેવાઓ માટે નવી હેલ્પડેસ્ક સર્વિસ એવી ચેનલો દ્વારા વિકસાવવામાં આવી છે, જે સામાજિક, નાણાકીય અને ડિજિટલ રીતે સમાવિષ્ટ છે.

“ગ્રામીણ નાગરિકોને આરોગ્ય સંભાળ અને માળખાગત સેવાઓની સારી ઉપલબ્ધતા મળે તે સુનિશ્ચિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ. CSCના ટેલી-હેલ્થ કન્સલ્ટેશને પાયાના સ્તરે પ્રાથમિક આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમને વિશ્વાસ છે કે WhatsApp પર તેનું એક્સ્ટેન્શન એ સુનિશ્ચિત કરવા માટે અમારું આગામી પગલું હશે કે જે પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓ આપણા દેશની સૌથી પછાત વસ્તી માટે ઉપલબ્ધ હશે તેવું CSC ઈ-ગવર્નન્સ સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડના સીઈઓ દિનેશ કુમાર ત્યાગીએ જણાવ્યું હતું.