- હવે ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ અન્ય વેબસાઇટમાં દર્શાવી શકાશે
- તેનાથી બિઝનેસ કરતા લોકો પોતાના એકાઉન્ટને વધુ લોકપ્રિય બનાવી શકશે
- તે ઉપરાંત પોતાના બિઝનેસને વધુ પ્રમોટ કરી શકશે
નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ પણ પોતાના યૂઝર્સ માટે વોટ્સએપની જેમ સમયાંતરે નવા નવા ફીચર્સ રજૂ કરતું રહે છે જેને કારણે વોટ્સએપની સાથોસાથ ઇન્સ્ટાગ્રામની પણ યૂઝર્સમાં એટલી જ લોકપ્રિયતા છે. હવે ઇન્સ્ટાગ્રામ પરનો તમારો પબ્લિક પ્રોફાઇલ તમારી વેબસાઇટમાં એમ્બેડ કરવાની સગવડ મળી રહી છે. આ રીતે આપણા મિનિ-પ્રોફાઇલ વેબસાઇટ પર બતાવી શકાશે. આ ફીચર પ્રોફાઇલ એમ્બેડ તરીકે ઓળખાય છે.
જે વેબસાઇટ પર આ રીતે પ્રોફાઇલ ઉમેરાઇ હશે ત્યાં પ્રોફાઇલની વિગતોની સાથોસાથ, એ એકાઉન્ટની છેલ્લી છ ઇમેજ પણ જોવા મળશે.
ખાસ કરીને જે લોકો પોતાના બિઝનેસને પ્રમોટ કરતા માંગતા હોય તેના માટે આ ફીચર ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. કારણ કે તેનાથી તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને વધુ લોકપ્રિય કરવાની તક સાંપડશે. અત્યાર સુધી આ રીતે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ અને વીડિયોને અન્ય વેબસાઇટ્સમાં એમ્બેડ કરી શકતાં હતા.
આ રીતે ઉમેરો
પ્રોફાઇલને અન્ય વેબસાઇટ પર ઉમેરવા માટેનો કોડ મેળવવા માટે, વેબબ્રાઉઝરમાં જે તે એકાઉન્ટ ઓપન કરી, ત્રણ ડોટ પર ક્લિક કરીને, એમ્બેડ સેક્શનમાં જવાનું રહેશે. ત્યાંથી પ્રોફાઇલ અન્ય જગ્યાએ બતાવવા માટેનો કોડ કોપી કરી શકાશે. આ કોડ અન્ય વેબસાઇટના પેજમાં એચટીએમએલ બ્લોકમાં કે કોડ રીડર પ્લગ-ઇનમાં પેસ્ટ કરી શકાશે.