- વોટ્સએપ અને ફેસબૂક યૂઝર્સ રહો સાવધ
- ફિશિંગ વેબસાઇટ્સ તમારા એકાઉન્ટ્સનો કરી શકે છે સફાયો
- આ ટિપ્સથી પોતાના એકાઉન્ટ્સને સુરક્ષિત રાખો
નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના સદુપયોગની સાથોસાથ તેનો દૂરુપયોગ પણ બેફામ વધ્યો છે. આજે ગઠીયાઓ લોકોને સાયબર ફ્રોડ કે ચોરીનો શિકાર બનાવે છે. સાયબર ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને સોશિયલ મીડિયા તેનો સરળ રસ્તો છે. તાજેતરમાં જ વોટ્સએપ, ઇંસ્ટાગ્રામ અને ફેસબૂકની પેરેન્ટ કંપની મેટાએ ફિશિંગ વેબસાઇટ્સ અંગે ચેતવણી આપી છે. આ ફિશિંગ વેબસાઇટ્સ વાસ્તવિક સોશિયલ મીડિયા પેજ જેવી જે દેખાતી હોવાથી તેમાં છેતરપિંડી થવાના ચાન્સ વધી જાય છે.
મેટા અનુસાર તેઓએ 39 હજારથી વધુ વેબસાઇટ્સ શોધી છે જે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક જેવી આબેહૂબ દેખાય છે અને યૂઝર્સ પાસેથી તેમના પાસવર્ડ વગેરે મેળવવામાં પણ સફળ નિવડી છે. સાયબર ચોરો આ વેબસાઇટ પરથી લોકોના પાસવર્ડ તેમજ વિગતો લઇ રહ્યાં છે.
ચોરોની મોડસ ઓપરેન્ડી એ રીતે હોય છે કે તો ફિશિંગ સ્કેમ દ્વારા ફેસબૂક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી લોકપ્રિય વેબસાઇટ્સની નકલી વેબસાઇટ્સ બનાવે છે અને યૂઝર્સને કેટલીક વિચિત્ર લિંક પર ક્લિક કરવા માટે દબાણ કરે છે. વાસ્તવિક વેબસાઇટ જેવી દેખાતી આ પ્રકારની વેબસાઇટથી છેતરાઇને યૂઝર્સ લિંક પર ક્લિક કરીને લોગઇન પાસવર્ડ આપે છે અને તેનો ડેટા તેમજ પૈસા બંને ગુમાવે છે.
તમે પણ આ સાયબર ચોરોથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરી શકો છો
- સૌ પ્રથમ તો, કોઇપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરો
- તે ઉપરાંત કોઇપણ ગતિવિધિ કરતા પહેલા લિંકની URLની ચકાસણી કરવી
- કોઇપણ અજાણી લિંક પર ક્લિક કરવાથી બચવું
આ રીતે તમે આ પ્રકારની ટિપ્સ ફોલો કરીને, તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સુરક્ષિત અને સલામત રાખી શકો છો. તે ઉપરાંત બને ત્યાં સુધી તમારા OTP, અંગત માહિતી, બેંક એકાઉન્ટ્સ વિગતો કોઇની પણ સાથે શેર ના કરવી. RBI પણ લોકોને આ પ્રકારની ગોપનીય જાણકારી કોઇની પણ સાથે શેર ના કરવાની સલાહ આપે છે.