તો શું હવે PUBG ગેમ લૉન્ચ નહીં થાય? CAITએ ગેમનો કર્યો વિરોધ, સરકારને આ મામલે લખ્યો પત્ર
- PUBG ગેમના ફરીથી લૉન્ચ પહેલા થયો વિવાદ
- CAITએ તેને લાખો ભારતીયોની પ્રાઇવસી માટે ખતરારૂપ ગણાવી
- CAITએ સરકાર અને ગૂગલ ઇન્ડિયાને પત્ર લખી ગેમ લોન્ચિંગ અટકાવવા કરી અપીલ
નવી દિલ્હી: ગત વર્ષે ભારત-ચીન વચ્ચે થયેલા સરહદ વિવાદ બાદ ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઇને PUBG મોબાઇલ ગેમ પર બેન મૂક્યો હતો. જો કે હવે PUBG મોબાઇલ ગેમનું Early access version ગૂગલ પ્લે સ્ટોર પર 17 જૂનથી ઉપલબ્ધ છે. આ વખતે ભારતમાં PUBG મોબાઇલ ગેમને લૉન્ચ કરવાની જવાબદારી દક્ષિણ કોરિયાની કંપની ક્રાફ્ટને ઉઠાવી છે. અત્યારસુધીમાં આ ગેમને 50 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. જો કે PUBG ગેમના સત્તાવાર વર્ઝન લોન્ચ થતા પહેલા વિવાદ શરૂ થયો છે.
વેપારીઓની સંસ્થા કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ અને ગૂગલ ઇન્ડિયાના પ્રમુખ સંજય ગુપ્તાને પત્ર લખીને મોબાઇલ ગેમને ભારતમાં લૉન્ચ થવાથી રોકવા માટે પત્ર લખ્યો છે.
CAITના મહાસચિવ પ્રવીણ ખન્ડેલવાલે પબજી મોબાઇલ ગેમને દેશની સુરક્ષા અને લાખો ભારતીયોની ગોપનીયતાની વિરુદ્વ ગણાવી છે. આ પત્ર તેમણે કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ અને ગૂગલ ઇન્ડિયાના પ્રમુખને લખ્યો છે.
CAITએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે ભારતમાં ફરીથી PUBG લોન્ચ કરનારી કંપની ક્રોફ્ટન ચીની કંપની ટેનસેંટની બીજી ભાગીદાર છે અને તેવામાં જો પબજી ભારતમાં લૉન્ચ થાય તો ભારતની સુરક્ષા પર સવાલ ઉઠશે અને લાખો ભારતીયોની પ્રાઇવસી પણ જોખમાશે.
CAITએ ભારત સરકારને પત્ર લખીને ગૂગલ ઇન્ડિયાને ગેમ પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ આપવા અપીલ કરી છે તેમજ ગૂગલ ઇન્ડિયાને પણ પોતાના પ્લે સ્ટોર પર આ ગેમ લોન્ચ ન કરવા માટેની અપીલ કરી છે.