Site icon Revoi.in

RBIનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે ફીચર ફોન વપરાશકર્તા UPI પેમેન્ટનો લાભ લઇ શકશે

Social Share

નવી દિલ્હી: અત્યારે ડિજીટલ પેમેન્ટનો જમાનો છે ત્યારે મોટા ભાગના લોકો યુપીઆઇ મારફતે પેમેન્ટ કરવાનું પસંદ કરે છે અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન યુપીઆઇથી થાય છે. આ વખતે યોજાયેલી RBIની મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન પણ યૂપીઆઇ પેમેન્ટને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. RBI તરફથી ઘોષણા કરવામાં આવી છે કે, હવે ફીચર ફોનનો વપરાશ કરતા લોકો પણ યૂપીઆઇનો ઉપયોગ કરી શકશે.

ફીચર ફોન ઉપયોગ કરતા લોકો પણ હવે યૂપીઆઇ મારફતે પેમેન્ટ કરી શકશે. આરબીઆઇ અનુસાર દેશમાં 118 કરોડ યૂઝર્સ છે, જેમાં 74 કરોડ યૂઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જ્યારે બાકીના લોકો હજુ પણ ફીચર ફોનનો ઉપયોગ કરે છે. મોટી સંખ્યામાં લોકો ફીચર ફોનનો વપરાશ કરતા હોવાથી તેઓ યૂપીઆઇ પેમેન્ટનો ઉપયોગ કરી શકતા નથી.  આ તમામ લોકોને ધ્યાનમાં રાખીને RBIએ આ નિર્ણય લીધો છે.

RBI ગવર્નરે જણાવ્યું કે ફાઈનાન્શિયલ પ્રોડક્ટ્સની પહોંચ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે ફીચર ફોન યૂઝર્સને મેનસ્ટ્રીમ ડિજિટલ પેમેન્ટ સાથે જોડવા ખૂબ જરૂરી છે. એવામાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે યૂપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ફીચર ફોન યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

જાણો UPI વિશે

મહત્વનું છે કે, યૂપીઆઈ જેને અગ્રેજીમાં યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ કહેવામાં આવે છે, આ એક ડિજિટલ પેમેન્ટની રીત છે જે મોબાઈલ એપના માધ્યમથી કામ કરે છે. આ એપના માધ્યમથી સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકાય છે. જો આ પેમેન્ટ મેથડમાં તમારા નાણાં ક્યાંય અટવાઈ જાય તો તે ફરીથી બેન્ક અકાઉન્ટમાં રિફંડ થઈ જાય છે. યૂપીઆઈના માધ્યમથી દરેક પ્રકારના બિલનું પેમેન્ટ, ઓનલાઈન ફંડ ટ્રાન્સફર અને મિત્રોને પૈસા મોકલવા જેવા કામ પણ કરી શકાય છે.