- ડિજીટલ લેન્ડિંગ કંપનીઓએ ભારતમાં ડેટા સ્ટોર કરવો પડશે
- કાયદો બનાવવા કરાઇ ભલામણ
- RBIએ રચેલ વર્કિંગ ગ્રુપે રિપોર્ટ સોંપ્યો
નવી દિલ્હી: ભારતમાં હવે ડિજીટલ લેન્ડિંગને લઇને પણ બદલાવ આવશે. ઑનલાઇન પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્સ દ્વારા લોન આપવાને લઇને RBIએ રચેલ વર્કિંગ ગ્રુપે પોતાની રિપોર્ટ સોંપી છે. આ રિપોર્ટનો ઉદ્દેશ આવી કંપનીઓને કાયદાકીય સંકજા હેઠળ લાવીને ગ્રાહકોની સુરક્ષા વધારવાનો છે.
આ રિપોર્ટ પર 31 ડિસેમ્બર, 2021 સુધી ઇ-મેઇલના માધ્યમથી સૂચન કરી શકાય છે. આ સૂચનોને જોયા બાદ જ વર્કિંગ ગ્રુપના રિપોર્ટ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. વર્કિંગ ગ્રુપની સ્થાપના 13 જાન્યુઆરી, 2021ના રોજ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ડિજિટલ ધિરાણ અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની ભલામણ કરી છે. હિતધારકો સાથે પરામર્શ કર્યા બાદ નોડલ એજન્સીની રચના કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપે એક સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગનાઈઝેશન બનાવવાની પણ ભલામણ કરી છે. આમાં ડિજિટલ લેન્ડિંગ ઇકોસિસ્ટમના તમામ લોકોનો સમાવેશ થશે. વર્કિંગ ગ્રુપ દ્વારા ગેરકાયદે લોન સંબંધિત પ્રવૃત્તિઓને રોકવા માટે ‘બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ લેન્ડિંગ એક્ટિવિટીઝ એક્ટ’ લાવવાનું પણ સૂચન કરાયું છે.