નવી દિલ્હી: સમગ્ર દેશમાં ધીરે ધીરે ઑનલાઇન બેંકિંગનું ચલણ સતત વધી રહ્યું છે. મોટા ભાગના લોકો પોતાના રોજીંદા જીવનમાં પણ અનેક પ્રકારના પેમેન્ટ કે રોકડની લેવડદેવડ માટે ઑનલાઇન બેંકિંગનો ઉપયોગ કરે છે. ગત 2 વર્ષમાં યૂપીઆઇ પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, મોબાઇલ બેકિંગથી મોટી સંખ્યામાં લોકોએ રોકડનો વ્યવહાર કર્યો છે. કરોડો લોકો દૈનિક ધોરણે ડિજીટલ માધ્યમથી જ પૈસાની લેવડદેવડ કરે છે. બીજી તરફ ઑનલાઇન બેંકિંગ ફ્રોડના કેસ પણ સતત વધી રહ્યા છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ગ્રાહકો ફ્રોડનો શિકાર બને છે. આજે અમે આપને તેનાથી કઇ રીતે સુરક્ષિત રહેવું તેના અંગે કેટલીક ટિપ્સ આપીશું.
ફ્રી વાઇફાઇનો ઉપયોગ ટાળવો
આજે લોકો પૈસા બચાવવાના ચક્કરમાં ફ્રી-વાઇફાઇ કે જાહેર વાઇફાઇ સ્પોટ પરથી જ ઑનલાઇન ટ્રાન્ઝેક્શન પણ કરતા હોય છે. જો તમે પણ આવું કરતા હોય તો તમે ચેતી જજો અન્યથા તમે પણ ફ્રોડનો શિકાર બની શકો છો. આ સ્થિતિમાં જો તમે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારી બેંકથી જોડાયેલી વિગતો હેકર્સ પાસે જતી રહે છે. તે ઉપરાંત ઑનલાઇન બેંકિંગ માટે પબ્લિક કમ્પ્યુટરનો ઉપયોગ ટાળવો જોઇએ.
ઓટીપી શેર ના કરવો
ઑનલાઇન પેમેન્ટ કરતી વખતે ટ્રાન્ઝેક્શનની સલામતી માટે યૂઝર્સને ઓટીપી મોકલવામાં આવે છે, જો કે, ક્યારેક યૂઝર્સ ઉતાવળમાં ફોન અથા મેસેજથી પોતાનો ઓટીપી શેર કરી દે છે. ક્યારેય પણ ભૂલમાં ઓટીપી શેર ના કરવો જોઇએ કારણ કે તેનાથી ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે.
ક્યારેક ઠગો ઇમેલ મારફતે ઠગાઇ કરવાનો પ્રયાસ કરે છે. તેઓ એક ઇમેલની લિંક મોકલે છે અને તેના પર ક્લિક કરાવીને તમને ફ્રોડનો શિકાર બનાવી શકે છે. તેથી ક્યારેય પણ કોઇ શંકાસ્પદ ઇમેલ અથવા લિંક પર ક્લિક ના કરવી. આ રીતે કરીને તમે ફ્રોડનો શિકાર થતા બચી શકો છો.
ઑનલાઇન જાણકારી શેર ના કરવી
ઑનલાઇન બેંકિંગની કોઇપણ વિગતો જેવી કે ઓટીપી, પાસવર્ડ અથવા યૂઝરનેમ કોઇ પણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ના કરો. તેવું કરવાથી તમારી બેંકિંગ સલામતી માટે ગંભીર ખતરો ઉભો થઇ શકે છે.
કોઇપણ એપ ડાઉનલોડ કરતા પહેલા વેરિફાઇડ બેજ ચેક કરીને જ ડાઉનલોડ કરો. મોટા ભાગે લોકો તે ચેક કર્યા વગર જ એપ ડાઉનલોડ કરતા હોય છે. આ પ્રકારની સંદિગ્ધ એપ ઓપન કરતા જ તમારી બધી જ અંગત વિગતો ઠગો પાસે પહોંચી જાય છે.