- વોટ્સએપ લાવશે અફલાતૂન ફીચર્સ
- હવે તેનાથી તમારી આસપાસના સ્ટોર્સ વિશે મળી જશે માહિતી
- આગામી સમયમાં લોંચ કરાય તેવી સંભાવના
નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને વધુ સહુલિયત પૂરી પાડવા માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે તમારે હોટેલ, રેસ્ટોરાં, ગ્રોસરી અને કપડાંના સ્ટોર્સની માહિતી માટે ગૂગલ કરવાની આવશ્યકતા નહીં રહે. વોટ્સએપ તમને આ તમામ વિશે માહિતગાર કરશે. વોટ્સએપ યૂઝર્સને આસપાસના બિઝનેસ વિશે જણાવશે. અત્યારે તો આ ફીચરને કામચલાઉ રીતે સાઓ પાઓલોમાં લોંચ કરાયું છે અને પણ નજીકના ભાવિમાં તેના વ્યાપને વધારાશે. આ ફીચરને વોટ્સએપ ટ્રેકર નામ આપવામાં આવ્યું છે.
વોટ્સએપ ટ્રેકર ફીચર્સ એટલું ગજબનું છે કે તેનાથી તમે વોટ્સએપમાંથી બહાર નીકળ્યા વગર જ હોટલ, રેસ્ટોંરા, કરિયાણાની દુકાનથી લઇને કપડાંની દુકાન સહિતની માહિતી મેળવી શકશો.
WABetaInfo ના રિપોર્ટ અનુસાર, વોટ્સએપની અંદર એક બિઝનેસ માટે સેક્શન જોવા મળશે. જ્યારે તમે સેક્શન પર જશો ત્યારે તમારી પસંદગી પ્રમાણે અથવા નક્કી કરેલા ફિલ્ટર પ્રમાણે વેપારીઓ તેમજ આસપાસની જગ્યાની માહિતી પ્રાપ્ત થઇ જશે.
અત્યારે તો આ ફીચર માત્ર સીમિત લોકો માટે ઉપલબ્ધ છે, પરંતુ ભવિષ્યમાં તેને તમામ યૂઝર્સ માટે રોલ આઉટ કરાય તેવી સંભાવના છે. iOS 2.21.170.12 અપડેટ માટે વોટ્સએપ બેટા જાહેર કર્યા બાદ વોટ્સએપ તરફથી બિઝનેસ જાણકારી અંગે નવું પેજ જાહેર કરવામાં આવ્યું છે.
વોટ્સએપ આગામી સમયમાં માત્ર એ જ ઇન્ટરફેસનો ઉપયોગ કરશે જે બિઝનેસ ઇન્ફો માટે રજૂ કરવામાં આવશે.
બીજી તરફ જીયો પણ પોતાના ગ્રાહકો માટે રિચાર્જ કરવાની નવી સુવિધા લાવી રહ્યું છે. હવે જિયોના પ્રીપેડ ગ્રાહકો વોટ્સએપ અને મેટાના માધ્યમથી રિચાર્જ કરી શકશે.