ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી,શારજાહ થી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઈટને કરાચી ડાયવર્ટ કરાઈ
- ઈન્ડિગોની ફ્લાઈટમાં ખરાબી
- શારજાહથી હૈદરાબાદ આવી રહી હતી ફલાઈટ
- પાકિસ્તાનના કરાચીમાં લેન્ડિંગ
દિલ્હી:શારજાહથી હૈદરાબાદ આવી રહેલા ઈન્ડિગો એરલાઈન્સના પેસેન્જર પ્લેનમાં ટેકનિકલ ખામી સામે આવી છે.આ પછી આ વિમાનને પાકિસ્તાનના કરાચી તરફ રવાના કરવામાં આવ્યું છે. જાણકારી સામે આવી છે કે,ઈન્ડિગોના આ પ્લેનમાં ફ્લાઈટ દરમિયાન ટેકનિકલ ખામી અંગે પાઈલટને ખબર પડી હતી, જે બાદ સાવચેતી રાખીને આ પ્લેનને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે.એરપોર્ટ પર આ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, ઈન્ડિગો એરલાઈન્સ કરાચીથી આ વિમાનના મુસાફરોને લેવા માટે અન્ય વિમાન મોકલવાની યોજના બનાવી રહી છે.
બે અઠવાડિયામાં કરાચી એરપોર્ટ પર ઉતરનાર આ બીજું ભારતીય વિમાન છે.અગાઉ 5 જુલાઈએ પણ સ્પાઈસ જેટનું એક વિમાન કરાચીમાં લેન્ડ થયું હતું.તેમાં પણ ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો.દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ફ્યુઅલ ઈન્ડિકેટરમાં ખામીને કારણે કરાચી ડાયવર્ટ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એન્જિનિયરોએ સ્પાઇસજેટના ક્રૂ મેમ્બરો સાથે ટેકનિકલ ખામી શોધવા અને તેને ઠીક કરવા માટે કામ કર્યું હતું.પ્લેનની લાઈટ ઈન્ડિકેટર મશીનરીમાં સમસ્યા હતી, પરંતુ તેને તાત્કાલિક ઠીક કરી શકાયું ન હતું, તેથી મુસાફરોને દુબઈ લઈ જવા માટે અન્ય પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિમાનમાં લગભગ 150 મુસાફરો સવાર હતા, જેમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્પાઈસ જેટનું બીજું પ્લેન મુંબઈથી કરાચી મોકલવામાં આવ્યું હતું, જેમાંથી મુસાફરોને દુબઈ મોકલવામાં આવ્યા હતા.