Site icon Revoi.in

કોવિડ રસીકરણ અભિયાન: સરકારે કોવિન એપ તૈયાર કરી, રસી અંગે દરેક માહિતી આપશે

Social Share

નવી દિલ્હી: ભારત સરકારે કોવિડ રસિકરણ અભિયાન માટે એક વિશેષ એપ્લિકેશન તૈયાર કરી છે. કોવિડની રસીને માર્કેટમાં લાવવા માટે સરકારે આ એપ્લિકેશન તૈયાર કરી છે. તેનું નામ કોવિન રાખવામાં આવ્યું છે. આ એપ્લિકેશનના માધ્યમથી સરકારને રસીના જથ્થા, વિતરણ અને સંગ્રહ જેવી મહત્વપૂર્ણ માહિતી લાઇવ મળશે. રસી મેળવનારાઓને ક્યારે ડોઝ આપવામાં આવશે તેનું પણ શેડ્યુલ એપ્લિકેશનમાં ઉપલબ્ધ રહેશે. કોવિન એપ્લિકેશન દ્વારા અધિકારીઓ રીઅલ ટાઇમ ધોરણે ડેટા અપલોડ અને એક્સેસ કરી શકશે.

એપ્લિકેશનનો ડેટા કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓ દ્વારા અપડેટ કરવામાં આવશે. આ સિવાય દેશભરમાં ફેલાયેલા 28,000 સ્ટોરેજ સેન્ટરો પર કેટલો સ્ટોક છે તેના પર પણ નજર રાખી શકાશે. એપ્લિકેશનની નજર ટેમ્પ્રેચર લોગર્સ, વેક્સીનનું સ્થળાંતર અને કોલ્ડ ચેઇન મેનેજરો પર પણ રહેશે.

કોરોનાની રસીનો ઉપયોગ કરતા પહેલા તેને સુરક્ષિત રાખવી ખૂબજ આવશ્યક છે ત્યારે સરકાર આ એપ્લિકેશન દ્વારા સ્ટોરેજ પોઇન્ટ પર તાપમાનના ફેરફારોને જાણી શકશે. કોવિન એપ્લિકેશન રસી સંગ્રહસ્થાન સુવિધાથી આરોગ્ય કેન્દ્ર, જીલ્લા હોસ્પિટલ અથવા રસીકરણ કેન્દ્ર સુધીની સફરને પણ ટ્રેક કરશે. જો રસીનો સ્ટોક પૂર્ણ થવાને આરે હશે તો તેના અંગે પણ નોટિફિકેશન મોકલશે.

કોવિન એપ દ્વારા લોકો તેમના રસીકરણનું સમયપત્રક, સ્થાન અને રસી કોને મળશે તેની વિગતો પણ ચકાસી શકશે. એપ મારફત પ્રાયોરિટી ગ્રુપમાં આવતા લોકોને જાણ થશે કે તેમને ક્યારે રસી આપવામાં આવશે. એકવાર રસીના બંને ડોઝ મળી ગયા પછી, એપ્લિકેશનમાં રસીકરણનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જેને ડિજિલોકરમાં પણ સેવ કરી શકાય છે. આ રીતે સરકાર જાણી શકશે કે કેટલા લોકોનું વેક્સીનેશન થયું છે અને કેટલાનું બાકી છે.

એપ્લિકેશનમાં ચારેય પ્રાયોરિટી ગ્રુપ – હેલ્થકેર કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કર્મચારીઓ, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોનો ડેટા રહેશે. જિલ્લા કક્ષાએ તે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કામ કરતા લોકોનો ડેટા ફીડ કરવામાં આવશે. મંજૂરી પછી તેમને પહેલા રસીના ડોઝ આપવામાં આવશે. મહત્વનું છે કે સરકારે દેશમાં સૌથી પહેલા જેમને કોરોનાથી વધુ જોખમ છે તેવા લોકોને વેક્સીન પહેલા આપવાનું જાહેર કર્યું છે.

(સંકેત)