Site icon Revoi.in

ટેકનોલોજી ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું સમાધાન કરવામાં મોખરેઃ પીએમ મોદી

Social Share

દિલ્હીઃ ભારત વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનમાં સમૃદ્ધ વારસો ધરાવે છે. આપણા વૈજ્ઞાનિકોએ પથપ્રદર્શક સંશોધન કામગીરી કરી છે. આપણો ટેકનોલોજી ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું સમાધાન કરવામાં મોખરે છે. જો કે, ભારતીયો હજુ વધારે કામગીરી કરવા ઇચ્છે છે. આપણે ભૂતકાળ પર ગર્વ સાથે નજર કરીએ છીએ, પણ સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય ઝંખીએ છીએ. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલના ઉદ્ધાટન સમારંભમાં જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણા તમામ પ્રયાસોનો ઉદ્દેશ ભારતને વિજ્ઞાનના અભ્યાસ માટે સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવાનો છે. સાથે-સાથે આપણે આપણા વૈજ્ઞાનિક સમુદાય આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે કામ કરે અને વિકાસ કરે એવું ઇચ્છીએ છીએ. આ લક્ષ્યાંક પાર પાડવા વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યા છે, જેમાંનું એક પગલું આ મહોત્સવનું આયોજન છે અને હેકેથોનમાં સહભાગી થવાનું છે, જે ભારતીય વૈજ્ઞાનિકોને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓ સાથે સહભાગી તક પૂરી પાડે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ વચ્ચે નાની ઉંમરથી વિજ્ઞાનપ્રવાહમાં રસ વધારવામાં મદદરૂપ થશે. અત્યારે ધ્યાન રૂપરેખાથી પરિણામો પર, પાઠ્યપુસ્તકોમાંથી સંશોધન અને ઉપયોગિતા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નવી નીતિ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષકો મોટી સંખ્યામાં ઊભા કરવા પ્રોત્સાહન આપશે. આ અભિગમ યુવા પેઢીમાં વૈજ્ઞાનિકો સંખ્યા વધારવામાં મદદરૂપ થશે. અટલ ઇનોવેશન મિશન અને અટલ ટિન્કરિંગ લેબ્સ આ નીતિ માટે પૂરક બનશે. વિજ્ઞાન અને ટેકનોલોજી સંસાધનની ખેંચ અને એની અસર વચ્ચે સેતુરૂપ બને છે. આ સરકારને દરિદ્રનારાયણ સાથે જોડે છે. ડિજિટલ ટેકનોલોજીમાં પ્રગતિ થવાની સાથે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરના હાઈ-ટેકનોલોજી પાવરના પરિવર્તન અને ક્રાંતિનું કેન્દ્ર બની ગયું છે.