જો તમે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો થઇ જાઓ સાવધાન, માલવેર કરી શકે છે ડિવાઇઝ પર અટેક
- જો તમે પણ અલગ અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તો થઇ જાઓ સાવધ
- માઇક્રોસોફ્ટે એક નવા માલવેર એડ્રોઝેક વિશે આપી માહિતી
- આ માલવેરથી અત્યાર સુધી 30 હજારથી વધુ ડિવાઇઝ પ્રભાવિત
નવી દિલ્હી: જો તમે પણ નિયમિતપણે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ અથવા અન્ય કોઇ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો તો સાવધાન થઇ જાઓ. માઇક્રોસોફ્ટે એક માલવેર અંગે ચેતવણી આપતા કહ્યું છે કે, આ બધા વેબ બ્રાઉઝરમાં માલવેર આવી ચૂક્યો છે અને તેને લીધે તમારા ડેટાની સુરક્ષાને લઇને ખતરો વધી ગયો છે.
એડ્રોઝેક માલવેર
આ માલવેરનું નામ એડ્રોઝેક છે અને તે મે મહિનાથી વિશ્વભરની અનેક સિસ્ટમમાં સક્રિય થયો છે અને ઓગસ્ટ મહિનામાં તેમણે અંદાજે દરરોજના 30 હજારથી વધુ ડિવાઇઝ પર હુમલો કર્યો છે. માઇક્રોસોફ્ટે આ વર્ષે લગભગ 159 યૂનિક ડોમેનને ટ્રેક કર્યા છે. જે સરેરાશ 17300 યૂનિક યુઆરએલને હોસ્ટ કરે છે.
આ છે માલવેરનો ટાર્ગેટ
નવા માલવેરના ટાર્ગેટ વિશે વાત કરીએ તો આ નવા માલવેરનો ટાર્ગેટ યૂઝર્સના સર્ચ રિઝલ્ટ પર માલવેર સમાવિષ્ટ જાહેરાતો આપીને સંબંધિત પૃષ્ઠ પર લઇ જવાનો છે. જો કે, તે કેવી રીતે દાખલ થાય છે તેના વિશે વાત કરીએ તો આ માલવેર ખરાબ બ્રાઉઝર એક્સ્ટેંશનને ઉમેરે છે અને વેબ પૃષ્ઠો પર જાહેરાતો મૂકવા માટે બ્રાઉઝર સેટિંગ્સમાં ફેરફાર કરે છે.
નોંધનીય છે કે આજના ડિજીટલ યુગમાં દિન પ્રતિદીન કમ્પ્યુટરનો વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે હેકર્સ પણ મોટી કમાણી કરવા માટે નવા નવા વાયરસ બનાવે છે કે જેને એન્ટિ માલવેર સોફ્ટવેર પણ ટ્રેક નથી કરી શકતા અને આ પ્રકારના વાયરસથી હેકર્સ મોટા ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ કે પછી વગદાર વ્યક્તિઓને શિકાર બનાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લે છે.
(સંકેત)