- ભારત હવે ફરી ચીન પર કરશે ડિજીટલ સ્ટ્રાઇક
- 5જી નેટવર્કથી ચીનની હ્યુવેઇ-ZTE કંપનીને રાખશે દૂર
- ભારત ટૂંક સમયમાં આ અંગે લઇ શકે છે નિર્ણય
ચીન પર ભારત વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક કરવા જઇ રહ્યું છે. ચીન સાથેના સંબંધોમાં તણાવને પગલે ચીનની મોબાઇલ ટેક્નોલોજી કંપનીઓ હ્યુવેઇ અને ZTEને ભારતના 5G નેટવર્કથી દૂર રાખવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને પગલે ભારત સરકાર આ નિર્ણય લઇ શકે છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ભારત 23 ઓગસ્ટના રોજ સંશોધિત રોકાણ નિયમો લાગુ કરશે. આ નિયમો અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોખમ ઉભી કરનાર કંપનીઓને દેશમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ટેલિકોમ વિભાગ ભારતી એરટેલ, રિલાયન્સ જીયો તેમજ વોડફોન આઇડિયા સહિતની ખાનગી કંપનીઓ સાથે 5જૂ ટેસ્ટિંગ અંગે પડતર રહેલ મંજૂરીઓ પર ફરી ચર્ચા કરશે. લોકડાઉનના કારણે આ ચર્ચા અધવચ્ચે મુલતવી રાખવામાં આવી હતી. 5જીની હરાજી પ્રક્રિયા આગામી વર્ષથી શરૂ થાય તેવી સંભાવના છે.
નોંધનીય છે કે અમેરિકા, બ્રિટન તેમજ ઓસ્ટ્રેલિયાએ પહેલા થી જ આ બન્ને કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ભારત પણ આ દેશોની જેમ આ બન્ને કંપનીઓ પર પ્રતિબંધ મૂકવા તેમજ 5જી નેટવર્કથી દૂર રાખવા માંગે છે. આ કંપનીઓ ચીન સરકારને નાગરિકોના ડેટા પુરા પાડે છે તેવો આરોપ છે. આ કંપનીઓ કોઇપણ દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જોખમી સાબિત થઇ શકે છે. આ કારણોસર આ કંપનીઓ પર પ્રતિબંધ મૂકાય તે આવશ્યક છે.
(સંકેત)