- ભારતમાં હવે પ્રથમવાર ડ્રોન 10-20 કિમીના અંતર સુધી ઉડાન ભરશે
- ભારતમાં ટ્રાયલ સ્વરૂપે આવું કરવામાં આવશે
- તેના આધારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પોલિસી તૈયાર કરશે
ભારત હવે લગભગ દરેક ક્ષેત્રમાં ડિજીટલ બની રહ્યું છે. ભારતમાં હવે ડ્રોનની પણ માંગ વધી છે. ચાલુ મહિને દેશમાં પ્રથમવાર ડ્રોન 10થી 20 કિમીના અંતર સુધી ઉડાન ભરશે. ટ્રાયલ સ્વરૂપે આવું કરવામાં આવશે. તેના આધારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંબંધિત પોલિસી તૈયાર કરશે જેથી ભવિષ્યમાં જરૂરી કામ માટે લાંબા અંતર સુધી ડ્રોન ઉડાવી શકાય.
ડ્રોન સંચાલિત કરતી કંપનીઓને કામ સોંપાયું
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઉદ્દેશ માટે ડ્રોનનું સંચાલન કરતી 20 કંપનીઓને કામ સોંપ્યું છે. આ કંપનીઓ 100-100 કલાક ડ્રોન ઉડાડી તેનાં પરિણામ સરકારને સોંપશે. પ્રવર્તમાન સમયમાં ડ્રોનનો ઉપયોગ વીડિયોગ્રાફી કે પછી સર્વે માટે કરાય છે, પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ દવાઓ, બ્લડ સેમ્પલ જેવી જરૂરી વસ્તુઓની ડિલીવરી કરવા અને રેસ્ક્યુ ઓપરેશન માટે પણ કરાશે.
સરકારની ડ્રોન બીવીએલઓએસ (બિયોન્ડ વિઝ્યુઅલ લાઈન ઓફ સાઈડ) એટલે કે આંખોથી દૂર ઉડાડવાની તૈયારી છે. હાલ વીએલઓએસ(વિઝ્યુઅલ લાઈન ઓફ સાઈડ) એટલે કે જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી ઉડાવાય છે.
ડ્રોનની બીવીએલઓએસ ટ્રાયલ શરૂ થશે
આ મહિનાથી અનેક રાજ્યોમાં ડ્રોનની BVLOS ટ્રાયલ શરૂ કરવામાં આવશે. તેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, NCR, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તરાખંડ સામેલ છે. ડ્રોનને 10 થી 20 કિલોમીટરના અંતર સુધી ઉડાડાશે. કેન્દ્રિત વિસ્તાર ગ્રામીણ અને પર્વતીય વિસ્તાર રહેશે. આવશ્યક વસ્તુઓને પહોંચાડવા માટે બે પ્રકારની ટ્રાયલ કરાશે. પ્રથમ એરડ્રોપ કરાશે અને બીજી રીત ડ્રોન લેન્ડિંગ કરાવીને થશે.
મહત્વનું છે કે, વર્તમાન સમયમાં દેશમાં 2 લાખથી વધુ ડ્રોન છે. તેમાંથી 21 હજારથી વધુ ડ્રોનનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. ઉડ્ડયન મંત્રાલયના 2018ના આદેશ અનુસાર 250 ગ્રામથી વધુ વજન ધરાવતા ડ્રોનનું ફરજીયાતપણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
(સંકેત)