- ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે હવે નવું પરિવર્તન આકાર લેશે
- ઇલોન મસ્કની કંપની ભારતમાં ઇન્ટરનેટ પૂરું પાડે તેવી શક્યતા
- મસ્ક આખા જગતને ઉપગ્રહ વડે ઈન્ટરનેટ પુરૂં પાડવા માંગે છે
નવી દિલ્હી: ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે અનેક ફેરફારો આકાર લઇ રહ્યા છે ત્યારે હવે ઇલોન મસ્કની કંપની સ્ટારલિન્ક આગામી દિવસોમાં ભારતમાં ઇન્ટરનેટ પૂરું પાડે તેવી શક્યતા છે. તેના કારણે ભારતીય ઇન્ટરનેટ માર્કેટમાં મોટી હલચલ થઇ શકે છે. અત્યારે ભારતમાં ટેલિકોમ કંપનીઓ વચ્ચે ઇન્ટરનેટ સેવાઓને લઇને કડી સ્પર્ધા જોવા મળી રહી છે.
આ સ્પર્ધાને કારણે જીયો સહિતની કંપનીઓ યૂઝર્સને યોગ્ય સેવા પૂરી પાડી શકતી નથી. પરંતુ આગામી દિવસોમાં ભારતીય ગ્રાહકોને સેટેલાઇટ ઇન્ટરનેટનો વિકલ્પ સરળતાથી મળતો થાય તેવી પૂરી શક્યતા છે.
અમેરિકી ઉદ્યોગપતિ ઇલોન મસ્ક કલ્પનાને હકીકતમાં ફેરવવા મેદાને પડ્યા છે. મસ્કનો વધુ એક પ્રોજેક્ટ સ્ટારલિન્ક સેટેલાઈટ છે. એ પ્રોજેક્ટ દ્વારા મસ્ક આખા જગતને ઉપગ્રહ વડે ઈન્ટરનેટ પુરૂં પાડવા માંગે છે. અત્યારે જગતમાં વપરાતું ઈન્ટરનેટ બહુદ્યા સમુદ્ર તળિયે બિછાવાયેલા કેબલ દ્વારા આવતું હોય છે. જગતની જરૂરિયાત પુરી કરવા સેટેલાઈટ વડે નેટ પ્રોવાઈડ કરવાનો વિકલ્પ ખુલ્લો જ છે.
સ્ટારલિન્કના નામે મસ્કે તેમાં ઝંપલાવી દીધું છે. સ્ટારલિન્ક હેઠળ મસ્ક નાના-નાના 12 હજાર ઉપગ્રહો લોન્ચ કરવા માંગે છે. તેમાંથી હજારથી વધારે તો લોન્ચ થઇ ચૂક્યા છે.
એ ઉપગ્રહો દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પુરી પાડવાની પણ અમેરિકા-યુરોપના દેશોમાં શરૂઆત થઈ ગઈ છે. આ જંગી પ્રોજેક્ટ દ્વારા આકાશી ઈન્ટરનેટનું 1 ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરનું માર્કેટ મસ્ક સર કરવા માંગે છે. સીએનબીસી-ટીવી-18ના અહેવાલ મુજબ હવે સ્ટારલિન્ક પ્રોજેક્ટ ભારતમાં શરૂ થશે.
ભારતમાં સાત-આઠગણુ વધારે ઝડપી નેટ આપવાનો લક્ષ્યાંક
સ્ટારલિન્ક પોતાના પ્રોજેક્ટ ભારતમાં 100 એમબીપીએસની ઝડપ ધરાવતું ઈન્ટરનેટ આપવાનો છે. અત્યારે ભારતમાં ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ 12-14 મેગાબાઈટ પર સેકન્ડ (એમબીપીએસ) છે. તેનાથી સાત-આઠ ગણી વધારે ઝડપી સર્વિસ સ્ટારલિન્ક આપવા માંગે છે. અલબત્ત, એ ત્યારે જ શક્ય બને જ્યારે ભારત સરકાર આવી કંપનીઓ માટે દ્વાર ખોલી નાખે.
(સંકેત)