– કોલેજના વિદ્યાર્થીઓ માટે ખાસ સોશિયલ નેટવર્ક લોન્ચ
– ફેસબુકે વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફીચર કર્યું લોન્ચ
– અમેરિકામાં 30 કોલેજો સાથે શરૂ કરાયું આ પ્લેટફોર્મ
ફેસબુકે કોલેજના વિદ્યાર્થીઓ માટે એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રજૂ કર્યું છે, જેનું નામ ફેસબુક કેમ્પસ રાખવામાં આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ ફેસબુક કેમ્પસ એપ દ્વારા તેમના ક્લાસના મિત્રો સાથે કનેક્ટ થઈ શકશે.
ફેસબુકે તેની કેમ્પસ એપ ઓનલાઇન વર્ગોની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે. ફેસબુક કેમ્પસ પ્લેટફોર્મ શરૂઆતમાં અમેરિકામાં 30 કોલેજો સાથે શરૂ કરવામાં આવી રહ્યું છે, જોકે ફેસબુકે અન્ય દેશોમાં પણ આ એપ શરૂ કરવા અંગે કંઈ કહ્યું નથી.
ફેસબુક કેમ્પસનું આ ફીચર ફેસબુકની મુખ્ય એપમાં જ ઉપલબ્ધ હશે, જો કે તેને એક્ટિવ કરવા માટે વિદ્યાર્થીઓએ કોલેજના ઇમેઇલ આઈડી અને સ્નાતકનું વર્ષ પ્રદાન કરવું પડશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વર્ગ અને તેમના ઘરના સરનામાં વિશે પણ માહિતી આપી શકશે.
આ ફીચર દ્વારા વિદ્યાર્થીઓ તેમની શાળા / કોલેજ કેમ્પસનાં ગ્રુપ અને ઇવેન્ટ્સને સરળતાથી સર્ચ કરી શકશે. ફેસબુક કેમ્પસમાં શેર કરેલ કન્ટેન્ટ ફક્ત કેમ્પસમાં દેખાશે. ઉપરાંત જો તમે કોઈને ફેસબુક પર બ્લોક કરો છો, તો તે તમને ફેસબુક કેમ્પસમાં શોધી શકશે નહીં. ફેસબુક છેલ્લા ઘણા મહિનાઓથી કેમ્પસ માટે કામ કરી રહ્યું છે.
ફેસબુક કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓની ટાઇમલાઈન પર કોલેજથી જોડાયેલ કન્ટેન્ટ પણ જોવા મળશે. આ સિવાય વિદ્યાર્થીઓ તેમના ક્લાસના મિત્રો, ગ્રુપ અને ઇવેન્ટ વિશે સતત માહિતી મેળવી શકશે. જો કોઈ વિદ્યાર્થી ઇચ્છે તો તે કેમ્પસમાં જ એક અલગ ગ્રુપ બનાવી શકે છે. ફેસબુક કેમ્પસમાં પોસ્ટ કરેલ કન્ટેન્ટ ફક્ત કેમ્પસમાં દેખાશે. ફેસબુક કેમ્પસમાં ક્લાસમેટ ડિરેક્ટરી પણ હશે જેમાં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિશેની માહિતી હશે.
(દેવાંશી)