Site icon Revoi.in

યુ-ટ્યુબર્સની કમાણી પર હવે ગૂગલ વસૂલશે ટેક્સ, અમેરિકન વ્યૂઅર્સ હશે તો ટેક્સ અમલી થશે

Social Share

નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ કંપની ગૂગલે હવે યૂ-ટ્યુબ કન્ટેન્ટ દ્વારા કમાણી કરનારા લોકોને સકંજામાં લીધા છે. ગૂગલે હવે જાહેરાત કરી છે કે જૂન મહિનાથી તે ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં યુ-ટ્યુબ કન્ટેન્ટ બનાવનારાઓ પાસેથી પ્રતિ માસ 24 થી 30 ટકાનો ટેક્સ વસૂલશે. આ ટેક્સ અમેરિકનો દ્વારા જોવામાં આવતી યુ-ટ્યુબ સામગ્રીથી જે આવક થાય તેના પર લેવાશે.

ગૂગલે ઇ-મેઇલ મારફતે ચેતવણી આપી છે કે, યુ-ટ્યુબ ક્રીએટર્સ 31 મે, 2021 સુધીમાં પોતાની ટેક્સ સંબંધિત જાણકારીઓ નહીં આપે તો કન્ટેન્ટ દ્વારા થતી કુલ આવકમાંથી 24 ટકા ટેક્સ તરીકે કપાઇ જશે. નવા નિયમ પ્રમાણે યુ-ટ્યુબ દ્વારા કમાણી કરનારાઓ પાસેથી દર મહિને ટેક્સની રકમ કાપવામાં આવશે.

યુ-ટ્યુબર્સની આવકમાંથી ટેક્સની કપાત કેટલાક પરિબળો પર નિર્ભર રહેશે. અમેરિકાથી બહારના ક્રિએટર્સ પોતાની ટેક્સ સંબંધી જાણકારી આપશે તો અમેરિકનો દ્વારા જોવામાં આવતા કન્ટેન્ટ પર 0થી 30 ટકાનો ટેક્સ લાગી શકે છે. આ સંજોગોમાં જો તમે એવું કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છો જેને જોનારા સૌથી વધુ લોકો અમેરિકાના હોય તો ટેક્સ કાપ માટે તૈયાર થઈ જાઓ. અમેરિકી સરકાર અને સંબંધિત યુટ્યુબરના દેશની સરકાર વચ્ચે જો કોઈ ટેક્સ રાહત સંબંધી સંધિ હશે તો તેનો લાભ મળશે અને ઓછો ટેક્સ આપવો પડશે.

ગૂગલનું ટેક્સ ગણિત

– જો તમે ટેક્સ સંબંધી વિગતો જાહેર ન કરી તો વિશ્વભરમાંથી પ્રતિ માસ થતી આવકના 24 ટકા ટેક્સ

– ટેક્સ સંબંધી દસ્તાવેજો સોંપશો, ટેક્સ સંધિ લાભને યોગ્ય હશો તો અમેરિકી દર્શકો દ્વારા પ્રતિ માસ થતી આવકના 15 ટકા ટેક્સ

– ટેક્સની વિગતો આપશો પરંતુ ટેક્સ સંધિ લાભના યોગ્ય નહીં હોવ તો પ્રતિ માસ અમેરિકી દર્શકો દ્વારા થતી કુલ આવકના 30 ટકા ટેક્સ ચુકવવો પડશે

(સંકેત)