- ગૂગલે તેની ફ્લડ એલર્ટ સિસ્ટમ સમગ્ર ભારતમાં કાર્યરત કરી
- AI અને મશીન લર્નિંગ ટેક્નોલોજીથી પૂરની આગોતરી જાણ કરશે
- ગૂગલે વર્ષ 2018માં પટણાના પૂર સંભવિત વિસ્તારોમાં આ સેવા શરૂ કરી હતી
વિશ્વના અનેક દેશોમાં વારંવાર કુદરતી હોનારત સર્જાતી હોય છે તેમાં પૂર પણ આવતા હોય છે પરંતુ જો પૂર વિશે આગોતરી જાણ થઇ જાય તો મોટી આપત્તિને ટાળી શકાય છે. આ જ હેતુસર હવે ગૂગલે તેની ફ્લડ એલર્ટ સિસ્ટમ હવે સમગ્ર ભારત અને બાંગ્લાદેશના અમુક હિસ્સાઓમાં કાર્યરત કરી છે. આ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેક્નોલોજીની મદદથી ક્યાં વિસ્તારમાં અને ક્યાં સમયે પૂર આવવાની શક્યતા છે તેની આગાહી કરી શકે છે અને તે વિસ્તારના લોકોને આગોતરી ચેતવણી આપી શકે છે.
આપને જણાવી દઇએ કે ગૂગલે વર્ષ 2018માં પટણાના પૂર સંભવિત વિસ્તારોમાં આ સેવા શરૂ કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં પૂર સંબંધિત ત્રણ કરોડ જેટલાં નોટિફિકેશન્સ મોકલવામાં આવ્યા છે. ગૂગલે આગાહી કરવા માટે નવું ફોરકાસ્ટિંગ મોડેલ પણ લોન્ચ કર્યું છે જે કંપનીના દાવા મુજબ યૂઝર્સને તૈયારી માટે અગાઉ કરતાં લગભગ બમણો સમય આપી શકે છે. આ માહિતી હિંદી, બંગાળી તેમજ અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.
મહત્વનું છું કે, ગૂગલ ભૂકંપની આગોતરી ચેતવણી આપવાની પણ વ્યવસ્થા વિકસાવી રહી છે જેથી મોટી જાનહાનિ ટાળી શકાય. અત્યારે ગૂગલના પૂર સંબંધિત એલર્ટમાં, વિવિધ વિસ્તારોના મેપ્સ અને જમીનના ઊંચાણ અને નીચાણની માહિતીના આધારે ક્યાં વિસ્તારોમાં, ક્યાં સમય દરમિયાન, કેટલાક ઊંડાણ સાથે પૂરનાં પાણી ફેલાવાની શક્યતા છે તેની માહિતી આપવામાં આવે છે.
(સંકેત)