Site icon Revoi.in

વોટ્સએપ પર ફેક-સ્પેમ મેસેજ પર લાગશે લગામ, સરકાર લાવશે આ સિસ્ટમ

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ પર મોટી સંખ્યામાં ફેક અને સ્પેમ મેસેજ  ફોરવર્ડ થતા હોય છે. આ પ્રકારના મેસેજને ફેલાતા રોકવા માટે ભારત સરકાર હવે એક નવી સિસ્ટમ લાવવાની યોજના પર કામ કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત સરકારે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સએપના દરેક મેસેજ માટે એક આલ્ફા ન્યૂમેરિક હેશ અસાઇનિંગ સિસ્ટમ શરૂ કરવા માટે કહ્યું છે. વોટ્સએપ પર સ્પેમ મેસેજ સૌથી વધારે વાયરલ થાય છે. આ જ કારણે સરકાર વોટ્સએપના માધ્યમથી ફેલાતી ભ્રામક સૂચનાઓથી લોકોને બચાવવાનો પ્લાન કરી રહી છે.

ઘણા સમયથી ઉચ્ચ સ્તરના અધિકારીઓ સ્પેમ મેસેજ ક્યાંથી આવ્યો છે તે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનના કારણે ફેસબૂકના સ્વામિત્વવાળી આ કંપની કોઇ નિર્ણય લઇ શકતી નથી. વોટ્સએપનું જો માનવામાં આવે તો દરેક મેસેજ એન્ક્રિપ્ટ હોય છે પરંતુ મેસેજનું ઓરીજીન જાણવાનો પ્રયાસ કરીશું તો તેનાથી એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન ટેકનિક બ્રેક થશે.

ભારત સરકાર એક એવી તકનિક લાવશે જેનો પ્રસ્તાવ તે વોટ્સએપને આપશે. જેના માધ્યમથી પ્લેટફોર્મની એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન તોડ્યા વગર મેસેજના ઓરીજીનની જાણકારી પ્રાપ્ત થઇ જશે.

આ સિસ્ટમ હેઠળ સરકાર વોટ્સએપને પોતાના પ્લેટફોર્મ પર મોકલવામાં આવેલા દરેક મેસેજ માટે એક યુનિક આલ્ફા ન્યૂમેરિક હેશનંબર જનરેટ કરવા માટે સૂચના આપી રહી છે. જો વોટ્સએપ આ પ્લાનને લાગૂ કરશે તો પ્લેટફોર્મ પર મોકલવામાં આવેલ દરેક મેસેજ A to Z સુધીના અક્ષરો અને 0-9 નંબર વચ્ચે એક કોડ આવશે જેનાથી ખબર પડશે કે આ મેસેજ કોણે જનરેટ કર્યો છે.

(સંકેત)