- ટેક જાયન્ટ આઇબીએમની વધુ એક સિદ્વિ
- વિશ્વની સૌ પ્રથમ 2 નેનોમીટર વાળી ચિપ તૈયાર કરી
- આ ચિપ એપ્લિકેશનમાં ઇન્ટરનેટની પહોંચ વધારશે
નવી દિલ્હી: ટેક્નોલોજી સતત હરણફાળ ભરી રહી છે અને નવી નવી ટેક્નોલોજીનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે હવે ટેક જાયન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સએ વિશ્વની પ્રથમ બે નેનોમીટર વાળી ચિપ ટેક્નોલોજી નિર્મિત કરી છે જે એપ્લિકેશનમાં ઇન્ટરનેટની પહોંચને વધારશે અને લાંબી બેટરી ક્ષમતા પ્રદાન કરશે. આ ચિપ ખાસ કરીને સેમી કન્ડક્ટર કમ્પ્યુટરથી જોડાયેલ એપ્લિકેશનો તેમજ સંદેશાવ્યવહાર ઉપકરણોમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ચીપની ખાસિયત
આ ચીપની ખાસિયત વિશે વાત કરીએ તો તે ફોનમાં લાંબી બેટરી, ડેટા સેન્ટર્સમાં કાર્બનનો ઉપયોગ ઘટાડશે તેમજ લેપટોપની કાર્યપ્રણાલીને વધુ ઝડપી બનાવશે. જેમાં ઇન્ટરનેટની પહોંચને ઝડપી કરવા અને એપ્સનો ઝડપી ઉપયોગ સામેલ છે. નવી બે નેનોમીટર ટેક્નોલોજી સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ટેક્નોલોજીની આધુનિક કળાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે.
આપને જણાવી દઇએ કે હાલમાં 7 નેનોમીટરની ચીપ આવે છે. પરંતુ હવે તેને સ્થાને નવી નેનો મીટર ચિપ 45 ટકા વધુ પ્રદર્શન અને 75 ટકા ઓછી બેટરીનો ઉપયોગ કરશે.
જો કે આ બે નેનોમીટર વાળી ચિપ ઉપકરણોમાં ક્યારે ફિટ કરાશે તેને લઇને કંપનીએ કોઇ સ્પષ્ટતા કરી નથી. ઘણી બધી સેમી કન્ડકટર કંપનીઓ આઇબીએમ સાથે મળીને આ ટેક્નોલોજીના નિર્માણની દિશામાં કામ કરી રહી છે.
(સંકેત)