- સ્માર્ટફોનના માર્કેટમાં વધતી સ્પર્ધા વચ્ચે એલજી હવે સ્માર્ટફોન બિઝનેસમાંથી કરશે એક્ઝિટ
- દક્ષિણ કોરિયન કંપની એલજીએ સ્માર્ટફોન માર્કેટમાંથી એક્ઝિટનો કર્યો નિર્ણય
- કંપની 31 જુલાઇ પછી સ્માર્ટફોનનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે
નવી દિલ્હી: એલજીના સ્માર્ટફોનના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. દક્ષિણ કોરિયન કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ હવે સ્માર્ટફોન બિઝનેસમાંથી એક્ઝિટ કરવા જઇ રહી છે. કંપનીએ સ્માર્ટફોનનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. મનાઇ રહ્યું છે કે કંપની 31 જુલાઇ પછી સ્માર્ટફોનનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે. સતત થતી ખોટના કારણે હવે કંપનીએ પોતાનું મોબાઇલ ડિવીઝન બંધ કરવાનું નક્કી કર્યું છે. જો આવું થશે તો સ્માર્ટફોન માર્કેટમાંથી પીછેહઠ કરનારી પ્રથમ કંપની બનશે.
એલજી કંપની દ્વારા એક નિવેદન અનુસાર કંપનીના મોબાઇલ ડિવિઝનને છેલ્લા 6 વર્ષમાં 33 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.
આ સમયે સ્માર્ટફોનના માર્કેટમાં સતત હોડ જામી છે. આ કારણોસર એલજીને આ સેગમેન્ટમાંથી એક્ઝિટ કરવાની નોબત આવી છે. કંપની હવે ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનના ઘટકો, કનેક્ટેડ ડિવાઇઝીસ અને સ્માર્ટ હોમ્સ પર ફોકસ કરશે.
નોંધનીય છે કે એલજી પાસે વૈશ્વિક સ્માર્ટફોન બજારનો ફક્ત 2 ટકા જ છે. ગત વર્ષે કંપનીએ ફક્ત 23 કરોડ ફોન જ શિપમેન્ટ કર્યા હતા. જ્યારે તેના પ્રતિસ્પર્ધી સેમસંગે 256 કરોડ ફોન શિપમેન્ટ કર્યા છે. એલજીનો હાલમાં ઉત્તર અમેરિકામાં 10 ટકા હિસ્સો છે. અહીં એલજી એપલ અને સેમસંગ પછી ત્રીજી સૌથી મોટી કંપની છે.
(સંકેત)