- ભારતમાં ઓનલાઇન ગેમ FAU-Gને લઇને આવ્યા મોટા સમાચાર
- રોયલ બેટલ ગેમ એપ FAU-Gને ભારતમાં 26 જાન્યુઆરીના રોજ લોન્ચ કરાશે
- ગણતંત્ર દિવસ પરના લોન્ચિંગથી ગેમ્સના ફેન્સ ખૂબ ખુશખુશાલ
નવી દિલ્હી: ભારતમાં દેશી PUBG કહેવાતી ઓનલાઇન ગેમ FAU-Gને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. ફૌજી ગેમના ડેવલપર્સે જાણકારી આપી છે કે રોયલ બેટલ ગેમ એપ FAU-Gને ભારતમાં 26 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે. દેશભક્તિથી લબાલબ આ ગેમના ગણતંત્ર દિવસ પરના લોન્ચિંગથી ગેમ્સના ફેન્સ ખૂબ ખુશખુશાલ છે.
આપને જણાવી દઇએ કે આશરે 4 મહિના પહેલા અક્ષય કુમારે FAU-G (Fearless And United: Guards) ભારતમાં લોન્ચ થશે તેવા સમાચાર આપ્યા હતા. જે પછી નવેમ્બર 2020ના છેલ્લા સપ્તાહમાં ગેમ પ્રી રજિસ્ટ્રેશન માટે ગૂગલ પ્લે સ્ટોર પર શરૂ થઇ હતી. જેને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો અને માત્ર 24 કલાકમાં જ લાખો લોકોએ આ ગેમ માટે પ્રિ-રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
બેંગ્લુરુ બેઝ્ડ nCORE Games ડેવલપર્સે હવે ફૌજી લોન્ચ ડેટની જાહેરાત કરતા કહ્યું કે, આગામી 26 જાન્યુઆરીના રોજ આ મોસ્ટ અવેઇટેડ ગેમ એપ લોન્ચ થશે. જે પછી લોન્ચ થયા બાદ એન્ડ્રોઇડ યૂઝર્સ પ્લે સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરી શકશે. તો એપલ એપ સ્ટોર પર ફૌજીને ક્યારે અપલોડ કરવામાં આવશે તે વિશે ખાસ જાણકારી પ્રાપ્ત થઇ નથી. ફૌજી ગેમમાં ભારત-ચીન સરહદથી ગલવાન ઘાટીની પણ ઝલક જોવા મળશે.
નોંધનીય છે કે, ભારતમાં પબજી પ્રતિબંધ કર્યા પછીથી જ આ ગેમના ડેવલપર્સ ભારતમાં તેના દેશી વર્ઝન PUBG Mobile Indiaને લોન્ચ કરવાની ફિરાકમાં છે. જોકે, મંત્રાલય પાસેથી તેમને મંજૂરી નથી મળી રહી.
(સંકેત)