- વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ યૂઝર્સમાં વધી ડેટાની ચિંતા
- યૂઝર્સ હવે વોટ્સએપ પરથી સિગ્નલ અને ટેલિગ્રામ પર ઝડપી થઇ રહ્યા છે શિફ્ટ
- ટેલિગ્રામમાં ગત માત્ર 72 કલાકમાં નવા 2.5 કરોડ યૂઝર્સ જોડાયા
નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ હવે યૂઝર્સ હવે ધીરે ધીરે વોટ્સએપથી અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર સ્વીચ થઇ રહ્યા છે. તેમાં સૌથી વધુ ફાયદો ટેલિગ્રામને થયો છે. ટેલિગ્રામ લોકપ્રિયતાને આંબી રહ્યું છે. ટેલિગ્રામ એપમાં ગત 72 કલાકમાં જ નવા અઢી કરોડ યૂઝર્સ જોડાઇ ગયા છે. કંપનીએ આ નવા યૂઝર્સ દુનિયાભરમાં બનાવ્યા છે. પરંતુ આમાં સૌથી વધુ 38 ટકા યૂઝર્સ એશિયામાંથી છે. ત્યારે 27 ટકા યૂઝર્સ યુરોપ, 21 ટકા લેટિન અમેરિકા જ્યારે 8 ટકા MENAથી આવ્યા છે. આ સાથે જ ટેલિગ્રામે કુલ 500 મિલિયન યૂઝર્સનો આંકડો પાર કરી લીધો છે.
નવી વોટ્સએપ પોલિસી રજૂ થયા પછી સિગ્નલની જેમ જ ટેલિગ્રામના ડાઉનલોડ્સમાં ઉતરોઉતર વધારો જોવા મળી રહ્યો છે. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી પછી યૂઝર્સમાં પોતાના ડેટા અંગે ચિંતા વધી છે. તેથી યૂઝર્સ અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર સ્વિચ કરી રહ્યાં છે જે વધુ સિક્યોર અને પ્રાઇવેટ છે.
સેન્સર ટાવરના રિપોર્ટ મુજબ, વોટ્સએપની પોલિસીમાં ફેરફાર થયા પછી ભારતમાં સિગ્ન અને ડેલિગ્રામના ડાઉનલોડ્સ વધીને 40 લાખ થઇ ગયા છે. 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરીની વચ્ચે લગભગ 2.3 મિલિયન નવા ડાઉનલોડ્સ સાથે સિગ્નલ આ રેસમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યારે ટેલિગ્રામે આ સમયગાળામાં 1.5 મિલિયન નવા યૂઝર્સ મેળવ્યા હતા.
નવા યૂઝર્સની વધતી સંખ્યાને જોતા ટેલિગ્રામના પાવેલ ડુરોવે જણાવ્યું કે, લોકો પોતાની પ્રાઈવસીના બદલે મળી રહેલી ફ્રી સર્વિસિસ હવે નથી ઈચ્છતા. તેમણે કહ્યું કે, ગત વર્ષની તુલનાએ આ વૃદ્ધિ અત્યંત મહત્વપૂર્ણ છે જ્યારે દૈનિક 1.5 મિલિયન યૂઝર્સ સાઈનઅપ કરી રહ્યા છે. અમે અગાઉ પણ 7 વર્ષ દરમિયાન યૂઝર પ્રાઈવસીની સુરક્ષા કરતા ડાઉનલોડની સંખ્યામાં વૃદ્ધિ જોઈ છે. પાવેલને આગળ જણાવ્યું કે, 500 મિલિયન એક્ટિવ યૂઝર્સ અને સતત થઈ રહેલા ગ્રોથ સાથે ટેલિગ્રામ પ્રાઈવસી અને સિક્યોરિટી માટે પ્રતિબદ્ધતા દાખવનાર મોટું કોમ્યુનિકેશન પ્લેટફોર્મ બની ગયું છે.
(સંકેત)