- ગુજરાત માટે ગૌરવની વાત
- ખેડૂતો માટે ઉપયોગી એવું મશીન સુરતના વિદ્યાર્થીએ બનાવ્યું
- આ મશીનથી માટીમાં ભેજના પ્રમાણને જાણી શકાય છે
સુરત: વિશ્વની અગ્રણ અવકાશી સંસ્થા નાસા અન્ય ગ્રહો પર માઇક્રોવેવ સેન્સરથી મેપિંગ કરીને ત્યાંની માટી અંગે જાણકારી લેતી હોય છે. પરંતુ સુરત સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના એસોસિએટ પ્રોફેસર અને PhDના વિદ્યાર્થીએ માઇક્રોવેવ સેન્સર બેઝ્ડ સોઇલ એનેલાઇઝરને પેટર્ન કરાવ્યું છે. આ મશીન માત્ર ગણતરીની મિનિટોમાં માટીમાં રહેલા ભેજને ચકાસી આપે છે. ખેડૂતો માટે આ ટેક્નોલોજી આગામી દિવસોમાં લાભદાયી સાબિત થઇ શકે છે.
ગુજરાત માટે ગૌરવની બાબત એ છે કે SVNITના ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડૉ. પિયુષ પટેલ અને તેમના પીએચડીના વિદ્યાર્થી પરેશ સાગરે ભારત સરકાર પાસે એક ડિવાઇસ માટે પેટન્ટ કરાવી છે. આ ડિવાઇઝ માત્ર ગણતરીની મિનિટોમાં ખેડૂતોને જમીનમાં કેટલો ભેજ છે તેની જાણકારી આપે છે. જેથી તેઓને પોતાના ખેતરમાં ક્યાં પાકનું ઉત્પાદન કરવું જોઇએ તે અંગે જાણ થઇ શકે.
આ અંગે ડૉ. પિયુષ પટેલે કહ્યું કે, અમારું રિસર્ચ માઇક્રોવેવ સેન્સર બેઝ્ડ સોઇલ એનલાઇઝર છે. જેમાં સાઇટ પરથી ત્રણથી ચાર સેમ્પલ લઇ માટીનું એનાલિસિસ કરી શકાય છે. બાદમાં તેનું વજન કરી તેને ઑવનમાં ડ્રાય કરાય છે. ત્યારબાદ ફરીથી તેનું વજન કરી ગ્રેવીઓમેટ્રિક પદ્વતિથી તેનું એનાલિસિસ કરવામાં આવે છે કે તેમાં કેટલો ભેજ છે. અમે જે સેન્સર બનાવ્યું છે તે કેવિટી બેઝ સેન્સર છે.
જેમાં બે અલગ અલગ સેન્સર એરે મૂક્યા છે. આ બન્ને વચ્ચે કેવિટીની અંદર માટી મૂકીએ છીએ, જેથી તેમાં રહેલા ભેજ વિશે તરત જ ખબર પડી જશે. માટી ચકાસવાની અન્ય પદ્ધતિ પણ છે, પરંતુ તેમાં જાણકારી મેળવવામાં સમય લાગતો હોય છે. અમારા ડિવાઈસના કારણે ઓછા સમયમાં તમામ જાણકારીઓ મળી રહેશે. આ ડિવાઇસને સાઇટ પર લઈ જઈને ટેસ્ટીંગ કરી શકાય છે.
આ ડિવાઇઝમાં પોઇન્ટ ઑફ કેર મેથડ યૂઝ થાય છે. ડિવાઇસમાં 100 ગ્રામ માટી મૂક્યા બાદ તરત જ પરિણામ મળી જાય છે. જ્યારે પરંપરાગત પદ્વતિમાં ભેજનું પ્રમાણ જાણવા માટે 24 કલાકનો સમય થાય છે.