Site icon Revoi.in

વોટ્સએપને પછાડી ટેલિગ્રામ બની નંબર 1 એપ, 1 મહિનામાં 63 કરોડ વાર થઇ ડાઉનલોડ

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ પ્રત્યેનો લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ઘટી રહ્યો છે અને તેની સાબિતી વધુને વધુ ડાઉનલોડ થતી સિગ્નલ અને ટેલિગ્રામ એપ છે. જાન્યુઆરી 2021 દરમિયાન સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ડાઉનલોડ થનારી નોન-ગેમિંગ એપ તરીકે ગૂગલ પ્લે સ્ટોરમાં ટેલિગ્રામ પ્રથમ ક્રમાંકે છે. ડિજીટલ કન્સલ્ટન્સી ફર્મ સેન્ટર ટાવરના રિપોર્ટ અનુસાર સમગ્ર વિશ્વમાં એક જ મહિનામાં ટેલિગ્રામ 63 કરોડ વાર ડાઉનલોડ થઇ હતી.

વિશ્વભરમાં વોટ્સએપના કરોડો યૂઝર્સ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપે મોનોપોલીનો ઉપયોગ કરીને દાદાગીરી ચાલુ કરી છે, વોટ્સએપ નવી પોલિસી દાખલ કરવા માંગે છે, જેમાં યૂઝર્સની પ્રાઇવસી વધુ જોખમાય તેમ છે. એ પોલિસી ના સ્વીકારે તેવા યૂઝર્સને વોટ્સએપ બંધ કરી દેવાના કંપનીએ ધમકી આપી હતી. ત્યારથી વોટ્સએપ પડતુ મૂકીને યૂઝર્સ બીજી એપ તરફ વળ્યા છે.

જો કે હાલ વોટ્સએપે તેની પોલિસીનું અમલીકરણ મોકૂફ રાખ્યું છે તેમ છતાં હવે ફેસબૂક-વોટ્સએપે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ્સમાં સિગ્નલ ત્રીજા ક્રમે રહી હતી. વિશ્વમાં બીજા ક્રમે ટિકટોક, ચોથા ક્રમે ફેસબૂક, પાંચમાં ક્રમે વોટ્સએપ રહી હતી.

ટેલિગ્રામ માટે મોટી સિદ્વિ

ટેલિગ્રામ માટે આ મોટી સિદ્વિ ગણાવી શકાય, કારણ કે હજુ ઑક્ટોબર 2020માં ટેલિગ્રામ સૌથી વધારે ડાઉનલોડ થનારી એપમાં દસમાં ક્રમે હતી. ટેલિગ્રામ નંબર 1 બની એમાં ભારતનો મોટો ફાળો છે, કારણ કે કુલ વૈશ્વિક ડાઉનલોડમાંથી 1.5 કરોડ (24 ટકા) એકલા ભારતમાં નોંધાયા છે.

આ યાદીમાં 10 ટકા ડાઉનલોડિંગ સાથે ઇન્ડોનેશિયા બીજા ક્રમાંકે છે. પ્લે સ્ટોરમાં ટેલિગ્રામ પ્રથમ ક્રમાંકે છે, તો એપ સ્ટોરમાં એ ચોથા ક્રમે રહી હતી. ટેલિગ્રામ ઉપરાંત યૂઝર્સનો ઓછામાં ઓછો ડેટા માંગતી સિગ્નલ એપ પણ ભારત સહિત આખા વિશ્વમાં ધીરે ધીરે લોકપ્રિય થઇ રહી છે.

(સંકેત)