Site icon Revoi.in

હવે આવી ગઇ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રોનિક બોટ, જે એક જ વારમાં 93 કિલોમીટર અંતર કાપી શકે છે

Social Share

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના જમાનામાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક કામને વધુ સરળ બનાવે છે ત્યારે હવે વિશ્વની સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ પહેલી ઇલેક્ટ્રિક બોટને વેનિસ બોટ શોમાં રજૂ કરવામાં આવી હતી. આ બોટ સ્વસંચાલિત છે. આ બોટનું નામ સી-7 રાખવામાં આવ્યું છે. આ બોટ એક જ વારમાં 93 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તે પાણીની સપાટીથી થોડી ઊંચાઇ પર દોડે છે.

આ બોટનું નિર્માણ કરનારી સ્વિડન સ્થિત કંપની કેન્ડેલા અનુસાર આ બોટ અવાજ ના કરતી હોવાથી તે ઇલેક્ટ્રિક બોટિંગનો એક શાનદાર અનુભવ પ્રદાન કરે છે અને તેમાં આંચકા પણ નથી આવતા. કમ્પ્યુટરથી કંટ્રોલ થતી ફોઇલ સિસ્ટમના કારણે આવું શક્ય છે.

કંપની અનુસાર, તેના નિર્માણ માટે ફાઇટર જેટ ટેકનિક અને એરોપ્લેનની ડિઝાઇનથી પ્રેરણા લેવામાં આવી છે. આ બોટનું વજન ઓછું રાખવાનો પ્રયાસ કરાયો છે. બીજી એક ખાસિયત એ છે કે તે ઇલેક્ટ્રિકથી ચાલતી હોવાથી પ્રતિકૂળ હવામાનમાં પણ તેના સ્ટીઅરિંગને હેન્ડલ કરવું વધુ સરળ છે.

ટચસ્ક્રિન ઇન્ટરફેસ

આ બોટનું સંચાલન કરવા માટે ટચસ્ક્રિન ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત વાયરલેસ ટેકનિક અને રિમોટથી સજ્જ છે. જેનાથી તેનું પરફોર્મન્સ વધુ બહેતર બનાવી શકાય છે.

આ બોટની લંબા 25 ફૂટ અને પહોળાઇ 7.9 ફૂટ છે તેમજ આ બોટમાં એક સાથે 5 લોકો બેસી શકે છે. આ બોટની કિંમત 1.98 કરોડ રૂપિયા છે.