- જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર
- ગૂગલની નવી પોલિસી અનુસાર તમારે નિયમિતપણે જીમેલ અને સંલગ્ન સેવાઓનો ઉપયોગ કરવો પડશે
- અન્યથા આપના તમામ ઇનએક્ટિવ એકાઉન્ટ 1 જૂન, 2021થી બંધ થઇ જશે
કેલિફોર્નિયા: જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. તમારું જીમેલ એકાઉન્ટ બંધ થઇ શકે છે. જો તમારે જીમેલ ઉપરાંત ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો જેવી સેવાઓનો ઉપયોગ કરવો હશે તો ગૂગલની નવી પોલિસી અનુસાર પોતાના એકાઉન્ટને યૂઝ કરવું પડશે. જો તમે ગૂગલની નવી પોલિસી અનુસાર જીમેલ, ગૂગલ ડ્રાઇવ કે પછી ગૂગલ ફોટોનો ઉપયોગ નહીં કરો તો તમામ એકાઉન્ટ 1 જૂન, 2021 બાદ બંધ થઇ જશે.
ગૂગલે 1 જૂન 2021થી નવી પોલિસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી અનુસાર જો યૂઝર્સનું જીમેલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો એકાઉન્ટ બે વર્ષથી ઇનએક્ટિવ હશે તો ગૂગલ આ તમામ એકાઉન્ટ પરથી કન્ટેન્ટ હટાવી દેશે અને આ એકાઉન્ટને બંધ કરી દેશે. જો આપને આપના જીમેલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો એકાઉન્ટને ભવિષ્યમાં પણ ચાલુ રાખવુ હશે તો હવે આપને આ એકાઉન્ટ પર પોતાની એક્ટિવિટી વધારવી પડશે.
ગૂગલ અનુસાર જો આપનું એકાઉન્ટ બે વર્ષથી પોતાની સ્ટોરેજ લિમિટથી વધુ છે તો ગૂગલ આપના કન્ટેન્ટને જીમેલ, ડ્રાઇવ અને ફોટો પરથી હટાવી શકે છે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે કન્ટેન્ટ હટાવતા પહેલા યૂઝર્સને તેની જાણ કરવામાં આવશે. એવામાં આપના એકાઉન્ટને સક્રિય રાખવાની સૌથી સરળ પદ્વતિ એ છે કે જ્યારે પણ તમે સાઇન કરો કે ઇન્ટરનેટ પર કામ કરો તો સમયાંતરે પોતાનું જીમેલ, ડ્રાઇવ કે ફોટા પર જાઓ અને એક્ટિવિટી વધારો.
ગૂગલની નવી પોલિસી મુજબ યૂઝર્સ માટે 15 GB ડેટા ફ્રીમાં ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો પર સેવ કરી શકાય છે. જો યૂઝર્સ 15 GB ડેટાની મર્યાદા પર કરે છે તો તેમને ઓછામાં ઓછી 100 GB સ્ટોરેજવાળી સુવિધા લેવી પડશે. જેનો ચાર્જ પ્રતિ માસ 130 રૂપિયા અને વાર્ષિક 1300 રૂપિયા ચૂકવવા પડશે.
(સંકેત)