તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ 119 બેઠકો ઉપર 3.26 કરોડ મતદારો ગુરુવારે મતદાન કરશે
બેંગ્લોરઃ દક્ષિણ ભારતના તેલંગાણામાં વિધાનસભાની 119 બેઠકો માટે આવતીકાલે ચુસ્ત પોલીસ બંદોસ્ત વચ્ચે મતદાન યોજાશે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ 2.5 લાખ જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રકિયામાં જોડાશે. આવતીકાલે 3.26 કરોડ મતદારો વિવિધ રાજકીય પક્ષો 2290 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરશે.
તેલંગાણાની 119 વિધાનસભા બેઠકની ચૂંટણી 30 નવેમ્બરે યોજાનાર છે. છેલ્લા એક મહિનામાં રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, 3.26 કરોડ મતદારો છે. 2.5 લાખથી વધુ કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં કામગીરી કરશે. કાલે થનારી ચૂંટણીમાં કે.સીઆર, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સહિત 2290 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ચૂંટણી આયોગે રાજ્યમાં 35 હજારથી વધુ મતદાન કેન્દ્ર બનાવ્યા છે. ચૂંટણીને ધ્યાને રાખીને હૈદરાબાદની શૈક્ષિણક સંસ્થાઓ આજે અને કાલે બંધ રહેશે. આ અંગે હૈદરાબાદના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.
તેલંગાણાના મુખ્ય નિર્વાચન અધિકારી વિકાસ રાજે જણાવ્યું છે કે, રાજ્યમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવે છે. અઢી લાખથી વધુ કર્મચારીઓને ચૂંટણી માટેની ડ્યુટી પર લગાવવામાં આવશે. શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તેલંગાણા વિશેષ પોલીસની 50 કંપનીઓ અને કેન્દ્રીય બળોને 375 કંપનીઓને સુરક્ષા વ્યવસ્થા માટે તહેનાત કરવામાં આવી છે. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આગામી 3 ડિસેમ્બરના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.