તેલંગાણા ડિલીવરી માટે ડ્રોન ટ્રાયલ કરવા માટેનું પ્રથમ રાજ્ય બન્યું,ડ્રોનથી કરશે વેક્સિનની સપ્લાય
- તેલંગાણા ડિલીવરી માટે ડ્રોન ટ્રાયલ કરવા માટેનું રાજય બન્યું
- ડ્રોનથી કરશે વેક્સિનની સપ્લાય
- ભારતમાં આ પ્રકારની પહેલી પરિયોજના
હૈદરાબાદ : તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે,જેને દૂરના વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો પર ડ્રોન દ્વારા વેક્સિન પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરી છે. રાજ્ય સરકારના ‘મેડિસિન ફ્રોમ ધ સ્કાય’ પ્રોજેક્ટ અંતર્ગત ગુરુવારે વિકારાબાદ શહેરમાં ડ્રોનનું બે દિવસનું ટ્રાયલ શરૂ થયું.
વિકારાબાદ જિલ્લા કલેકટર કે. નિખિલાએ પરેડ ગ્રાઉન્ડમાં ટ્રાયલ રનનું ઓપચારિક ઉદ્દઘાટન કર્યું હતું. 500 મીટર દૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે વિકારાબાદ જિલ્લા હોસ્પિટલથી 2-3 કિલો વજનના બોક્સ 400 ફૂટની ઉંચાઈ સુધી ઉડતા હતા. તેમણે કહ્યું, ભારતમાં આ પ્રથમ વખત છે જ્યારે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂરસ્થ વિસ્તારોમાં રસીઓ અથવા દવાઓ પહોંચાડવા માટે ટ્રાયલ રન કરવામાં આવી રહ્યો છે.ત્રણ તબક્કાના ટ્રાયલમાં એક દિવસમાં છ ફ્લાઇટ હશે, દરેક ડ્રોન તાપમાન નિયંત્રિત બોક્સમાં 175 રસીઓ લઇ જશે.
આ પ્રોજેકટને ઓપચારિક રૂપથી 11 સપ્ટેમ્બરથી નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેલંગાણા ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી મંત્રી કે.ટી. રામારાવ દ્વારા લોન્ચ કરવામાં આવશે. ‘મેડિસિન ફ્રોમ ધ સ્કાય’ વિશ્વ આર્થિક મંચ, નીતિ આયોગ અને હેલ્થનેટ ગ્લોબલ સાથે ભાગીદારીમાં ITE અને C વિભાગની ઉભરતી ટેક્નોલોજી વિંગની આગેવાની હેઠળ તેલંગાણા સરકારની એક પહેલ છે.
આ પ્રોજેક્ટને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી અંતિમ નિયમનકારી મંજૂરી મળી છે. પસંદ કરેલા આઠમાંથી ત્રણ બ્લુડાર્ટ મેડ એક્સપ્રેસ કન્સોર્ટિયમ, હેલિકોપ્ટર કોન્સોર્ટિયમ અને કયુરિસ્ફ્લાઇ કન્સોર્ટિયમ પહેલેથી જ વિકારાબાદ પહોંચી ચૂક્યા છે અને વીએલઓએસ અને બીવીએલઓએસ ફ્લાઇટ દ્વારા તેમના ડ્રોનનું પરીક્ષણ શરૂ કરી દીધું છે.