તેલંગાણાઃ ભાજપના ઉમેદવાર માધવી લતાએ મહિલા મતદારનો નકાબ દૂર કરાવતા વિવાદ
નવી દિલ્હીઃ તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા બીજેપી ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસ આઈપીસીની કલમ 171C, 186, 505(1)(C) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 132 હેઠળ મલકપેટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. માધવી લતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોલિંગ બૂથની મુલાકાત દરમિયાન મુસ્લિમ મહિલાઓના ઓળખ કાર્ડ ચેક કરતા જોવા મળ્યાં હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે, બીજેપી ઉમેદવાર માધવી લતા પોલિંગ બૂથની અંદર મુસ્લિમ મહિલાઓને તેમનો બુરખો હટાવવા માટે કહી રહ્યાં છે અને તેમના આઈડેન્ટિટી કાર્ડ ચેક કરતા જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં, તે તેમણે તેમની ઓળખ જાહેર કરવા માટે પણ કહી રહ્યાં હતા.
આ બાબતે ભાજપના ઉમેદવાર માધવી લતાએ જણાવ્યું હતું કે, તેમણે મુસ્લિમ મહિલાઓને તેમની ઓળખ ચકાસવા માટે વિનંતી કરી હતી અને આમ કરવું ખોટું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું ચૂંટણીની ઉમેદવાર છું અને કાયદેસર રીતે ઉમેદવારને ચહેરાના માસ્ક વિના મતદારનું ઓળખપત્ર તપાસવાનો સંપૂર્ણ અધિકાર છે. હું પુરુષ નથી, હું એક મહિલા છું અને મેં તે મહિલાઓને તેમની ઓળખ જાહેર કરવા નમ્રતાપૂર્વક વિનંતી કરી હતી. માધવી લતાએ જણાવ્યું હતું કે, જો કોઈ આને મોટો મુદ્દો બનાવવા માંગે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ ડરી ગયા છે.
અગાઉ માધવી લતાએ તેમના મતવિસ્તારમાં મતદાર યાદીમાં વિસંગતતાનો આક્ષેપ કર્યો હતો. માધવી લતાએ કહ્યું કે પોલીસ કર્મચારીઓ ખૂબ સુસ્ત લાગે છે, તેઓ સક્રિય નથી… તેઓ કોઈ તપાસ કરી રહ્યા નથી. સિનિયર સિટીઝન મતદારો અહીં આવી રહ્યા છે પરંતુ તેમના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.