તેલંગાણા: પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે DyCM વિક્રમાર્ક અને ઉદ્યોગ મંત્રી શ્રીધર બાબુએ પદગ્રહણ કર્યું
બેંગ્લોરઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ, તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમની જીત થઈ છે. હવે કોંગ્રેસ પણ હિન્દુત્વ તરફ વધી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસ સરકારના નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે કાર્યાલયમાં પદભાર સંભાળ્યો હતો. જો કે, તે પૂર્વે વિક્રમાર્ક ભટ્ટીની સાથે બ્રામણો મંત્રોચ્ચાર કરતા કરતા સચિવાલય આવ્યા હતા. મંત્રોચ્ચારની સાથે ઢોલ-નગારા પણ વગાડવામાં આવ્યા હતા. વિક્રમાર્ક ભટ્ટી સચિવાલય પહોંચ્યાં ત્યારે તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કને નાણા અને યોજના તથા ઉર્જા વિભાગની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેલંગાણામાં નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ઉદ્યોગ અને આઈટી મંત્રી ડુડિલ્લા શ્રીધર બાબુએ પણ સચિવાલયમાં પદભાર સંભાળ્યું હતું. શ્રીધર બાબુ પણ બ્રામણોની સાથે સચિવાયલ પહોંચ્યાં હતા. આ દરમિયાન કાર્યલયમાં પુજા કરવામાં આવી હતી. તેમજ કેટલાક દસ્તાવેજો ઉપર સહી કરી હતી.
તેલંગાણામાં વિધાનસભાની 119 બેઠકો ઉપર ગત 30મી નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. 3 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનો 64 બેઠકો ઉપર વિજય થયો હતો. આમ તેલંગાણામાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. જ્યારે કે.ચંદ્રશેખર રાવ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બની શક્યા ન હતા. ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)નો 39 બેઠકો ઉપર વિજય થયો હતો. જ્યારે તેલંગાણામાં પણ ભાજપએ સારુ પ્રદર્શન કર્યું હતું. ભાજપાનો આઠ બેઠકો ઉપર વિજ્ય થયો હતો. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેલંગાણામાં ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી. જેની સરખામણીમાં ભાજપની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે ઓવૈસીની એઆઈએમઆઈએમનો છ બેઠક ઉપર વિજ્ય થયો હતો. તેમજ ભાકપાની માત્ર એક બેઠક ઉપર જીત થઈ હતી. તેલંગાણામાં કોંગ્રેસની જીત થતા કોંગ્રેસના નેતા અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.