તેલંગાણા ચૂંટણી: પોલીસે પાંચ કરોડની રોકડ સાથે 3 શખ્સો ઝડપ્યાં
બેંગ્લોરઃ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, પોલીસે રંગારેડ્ડી જિલ્લાના ગચીબોવલીમાં એક કારમાંથી રૂ. 5 કરોડની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ગચીબોવલી પોલીસે આ રકમ કબજે કરી કાર્યવાહી માટે આવકવેરા વિભાગને સોંપી દીધી છે. આ મામલે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બોટનિકલ ગાર્ડન પાસે વાહન ચેકિંગ દરમિયાન માધાપુર તરફ જતી કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓને સીટની નીચે રોકડ ભરેલી બેગ મળી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, અટકાયત કરલા શખ્સોની રોકડ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેના સ્ત્રોત વિશે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રચાકોંડા પોલીસ કમિશનરેટના હયાત નગર વિસ્તારમાં 2 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. રોકડ ભરેલી પાંચ બેગ એક કારમાં લઈ જવામાં આવી રહી હતી. પોલીસે રોકડ લઈ જનાર વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો.
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થશે. પોલીસ અને અન્ય એજન્સીઓ રોકડ, દારૂ અથવા અન્ય માલસામાનની ગેરકાયદેસર હેરાફેરીને રોકવા માટે રાજ્યભરમાં કાર્યવાહી કરી રહી છે. જેનો ઉપયોગ મતદારોને રીઝવવા માટે થઈ શકે છે. તેલંગાણામાં આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ 9 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 657 કરોડ રૂપિયાથી વધુની રોકડ, કિંમતી ધાતુઓ, દારૂ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે.