તેલંગાણાઃ મતદારને લાંચ આપવાના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
બેંગ્લોરઃ તેલંગાણાના નામપલ્લી વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ એક મતદારને 1 લાખ રૂપિયા લાંચ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ ફિરોઝ ખાન વિરુદ્ધ આરપી એક્ટની કલમ 71સી, 188 અને 123 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પ્રાર્થના કરવા હૈદરાબાદના ચાર મિનાર સ્થિત શ્રી ભાગ્ય લક્ષ્મી મંદિર પહોંચ્યા હતા. તેમણે ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવાનો શ્રેય દેવી ભાગ્ય લક્ષ્મીના આશીર્વાદને આપ્યો છે.
તેમણે કહ્યું, ‘દેવી ભાગ્ય લક્ષ્મીના આશીર્વાદથી ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હું આ બચાવ કામગીરીમાં જોડાયેલા તમામ અધિકારીઓનો આભાર માનું છું. પીએમ મોદી અને સીએમ પુષ્કર ધામીના નેતૃત્વમાં આ મિશન સફળ રહ્યું છે.
તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડધમ શાંત થયા છે અને આવતીકાલે 30મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે. વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સ્થાનિક રાજકીય પક્ષોએ અનેક રેલીઓ અને જનસભાને સંબોધિત કરી હતી. દરમિયાન એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યાં હતા. હવે આવતીકાલે મતદાન યોજાશે. વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યો છે. આવતીકાલે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેલંગાણામાં મતદાન યોજાશે. તેમજ તા. 3 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. 3 ડિસેમ્બરના રોજ તેલંગાણા ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.