ટેલિગ્રામએ વધાર્યું ટેન્શન, જાણો શું થયો બદલાવ
ટેલિગ્રામ દ્વારા હવે એવો ફેરફાર કરવામાં આવ્યો છે જેને લઈને યુઝર્સની ચિંતામાં વધારો થઈ શકે છે. કંપનીના ફાઉન્ડર પાવેલ દુરોવે પોતે આ અંગે માહિતી આપી છે કે ટેલિગ્રામનો ઉપયોગ મોટાભાગના લોકો મેસેજ, ફોટો-વીડિયો શેયર કરવા માટે કરતા હોય છે. હવે મેસેજિંગ એપ ટેલિગ્રામ આ મહિને તેના યુઝર્સ માટે પેઈડ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરશે.
પાવેલ દુરોવે પોતાના બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે જે યુઝર્સ ટેલિગ્રામ પ્રીમિયમ પસંદ કરે છે તેઓને ચેટ, મીડિયા અને ફાઈલ અપલોડ માટે ઉચ્ચ મર્યાદા મળશે. ટેલિગ્રામ પ્રીમિયમ આ મહિના અંતમાં ઉપલબ્ધ થશે, પરંતુ કિંમતની માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી.
હાલમાં ટેલિગ્રામની ટેગલાઈન છે – “ટેલિગ્રામ કાયમ માટે મફત રહેશે, કોઈ જાહેરાત નહીં”. જો કે, તે ટૂંક સમયમાં બદલાઈ શકે છે. ટેલિગ્રામના નવા અપડેટમાં ટેલિગ્રામ એપ્લિકેશનના આગામી સંસ્કરણ માટેનો કોડ ફ્રી સ્લોગન સિવાય અલગ ટેગલાઇન સાથે ઑનલાઈન જોવામાં આવ્યો છે. જે સંકેત આપે છે કે કંપની આવક પેદા કરવા માટે એપ્લિકેશન સાથે બીજી રીતનું પ્રયોગ કરી રહી છે.
ટેલિગ્રામ પાસે હાલમાં 500 મિલિયન માસિક સક્રિય યુઝર્સ છે અને તે તેની વેબસાઈટ અનુસાર વિશ્વની 10 સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી એપ્લિકેશન્સમાંની એક છે.