ગ્રેટર નોઈડામાં ટ્રાફિક નિયમન મામલે ચલણ આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડા વિસ્તારમાં હેલ્મેટ પહેર્યા વિના કાર ચલાવવા બદલ એક મહિલાને દંડ ફટકારવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ નગર ટ્રાફિક પોલીસે સરકારી શાળાની શિક્ષિકા અને વાહન માલિક શૈલજા ચૌધરીને ₹1,000નો દંડ ફટકાર્યો હતો. વાહન માલિક શૈલજા ચૌધરીને 27 જૂને નોઈડાના હોશિયારપુર વિસ્તારમાં હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ચોંકવનારી વાત એ છે કે, મહિલા પાસે કોઈ ટુ-વ્હીલર નથી અને ન તો તેમના નામે કોઈ ટુ-વ્હીલર રજિસ્ટર્ડ છે. મહિલાને ટ્રાફિક પોલીસ તરફથી ઈ-ચલણ માટે જે મેસેજ મળ્યો હતો તેના પર તેની કારનો રજીસ્ટ્રેશન નંબર લખાયેલો હતો, પરંતુ બાઇકનો ફોટો જોડવામાં આવ્યો હતો. મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરવા બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.
વાહન માલિક શૈલજા ચૌધરીએ જણાવ્યું કે મને મારા મોબાઈલ ફોન પર ટ્રાફિક પોલીસનો મેસેજ મળ્યો હતો. પહેલા મને લાગ્યું કે મારા ઘરે આવેલા કોઈ સંબંધીએ મારી કાર ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે. જો કે, જ્યારે મેં મેસેજ વાંચ્યો, ત્યારે મને એ જોઈને આઘાત લાગ્યો કે ચલનમાં બાઇકની તસવીર જોડાયેલી હતી અને મારી કારનો રજિસ્ટર નંબર એન્ટર કરવામાં આવ્યો હતો. આ સાથે 27 જૂને સવારે 8.29 કલાકે હેલ્મેટ વગર વાહન ચલાવવા અંગે લખવામાં આવ્યું છે. જો કે, વાહન માલિકે જણાવ્યું હતું કે, તે આ સમય અને તારીખે હોશિયારપુરમાં વાહન ચલાવી રહી ન હતી.
મહિલાએ વધુમાં કહ્યું હતું કે, મારી પાસે કોઈ ટુ-વ્હીલર નથી. મારા નામે માત્ર મોટરકાર રજિસ્ટર્ડ છે. તેમણે કહ્યું કે આ સ્પષ્ટપણે ટ્રાફિક પોલીસની ભૂલ છે અને તેમણે આ ચલણ રદ કરવું જોઈએ. દરમિયાન, ડેપ્યુટી કમિશનર ટ્રાફિક પ્રીતિ યાદવેએ જણાવ્યું હતું કે કેટલીકવાર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) રજિસ્ટ્રેશન નંબરને ખોટી રીતે વાંચી શકે છે. આવી ફરિયાદો ઈમેલ દ્વારા અથવા સીધી ઓફિસમાં જઈને કરી શકાય છે.