મધ્યપ્રદેશના ખંડવામાં દારૂડિયા માટે મહત્વનો નિર્ણયઃ “નો વેક્સિન નો લિકર”નો અમલ
ભોપાલઃ કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાણ ઇલાજ કોવિડ-19 વેક્સિન છે. જેથી દેશમાં હાલ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વિવિધ શહેરો, નગરો દ્વારા રસી લેનારાઓની સંખ્યામાં વધારો થાય તે માટે વિવિધ જાહેરાતો કરી છે. દરમિયાન કોવિડ-19 રસીને લઈને મધ્યપ્રદેશના ખંડવાના જિલ્લા વહીવટી તંત્રએ એક અનોખો આદેશ જાહેર કર્યો હતો. ખંડવા જિલ્લા આબકારી અધિકારીએ વિચિત્ર કહી શકાય તેવો નિર્ણય જાહેર કર્યો છે કે, જેને કોરોના રસીના બંને ડોઝ લીધા હશે તેને જ દુકાનોમાંથી દારૂનું વેચાણ કરવામાં આવશે.
ખંડવા જિલ્લા આબકારી અધિકારી આર.પી. કિરાર દ્વારા આદેશ જાહેર કરાયો છે કે,હવે માત્ર જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓ જ દુકાનોમાંથી દારૂ ખરીદી શકશે. ‘દારૂની દુકાનો પર ફક્ત એવા લોકોને દારૂનું વેચવામાં આવશે જેમને કોવિડ રસીના બંને ડોઝ લીધા છે. ભૂતકાળમાં, જિલ્લા વહીવટીતંત્રે રસીકરણને ઝડપી બનાવવા માટે એક બેઠક બોલાવી હતી, જેમાં એવું જોવા મળ્યું હતું કે લોકો રસીના બંને ડોઝ માટે ઉત્સાહ દર્શાવતા ન હતા. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખંડવા જિલ્લામાં 55 દેશી અને 19 વિદેશી દારૂની દુકાનો છે. જિલ્લા આબકારી અધિકારીએ આ તમામ દુકાનદારોને લેખિત આદેશ આપ્યો છે કે જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેમને જ દારૂ વેચવો.
જિલ્લા આબકારી અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં રસપ્રદ જવાબ આપ્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે દારૂ ખરીદનારએ બંને ડોઝ લીધા છે કે નહીં તેની પુષ્ટિ કેવી રીતે કરવી, તેના જવાબમાં તેમણે કહ્યું, દેશમાં મોટાબાગના દારૂપીવા વાળા સાચુ બોલતા હોય છે એવુ અમારા અનુભવથી માનીએ છીએ. એટલે ગ્રાહક બંને ડોઝ લીધાનું કહેશે તેને જ દારૂ આપવામાં આવશે.