બોલો કઈ યુનિવર્સિટીની માર્કશીટ જોઈએ છે?… નકલી માર્કશીટનું કૌભાંડ પકડાયું, એજન્ટની ધરપકડ
સુરતઃ શહેરમાં બોગસ માર્કશીટ વેચવાનું કૌભાંડ પકડાયુ છે. શહેરના સિંગણપોર પોલીસે નકલી માર્કશીટ કૌભાંડમાં એજન્ટ એવા નિલેશ સાવલિયા ધરપકડ કરી હતી. અને આરોપી પાસેથી 137 જેટલી દેશભરની અલગ-અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ મળી આવી હતી. ફરીદાબાદમાં દેશભરની માગો તે યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને નકલી ડિગ્રી સર્ટિફિકેટ બનાવવામાં આવતી હતી. અને નિલેશ ગ્રાહકો શોધવા માટે એજન્ટની ભૂમિકા ભજવતો હતો.
સુરત પોલીસના સૂત્રોના જમાવ્યા મુજબ કેટલાક દિવસ પહેલા શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અક્ષર કળથિયાની કેરળના ધીરુ આનંદપુરમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેરળ શિક્ષણ બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. જેની તપાસ કરતાં ચોકાવનારી વિગતો મળી હતી. ખોટી માર્કશીટ રજૂ કરવાના કેસમાં અક્ષર કળથિયાની ધરપકડ થતા કેરળ પોલીસે સુરતના એજન્ટ નિલેશ સાવલિયા અંગે સિંગણપોર પોલીસને માહિતી આપી હતી. જેના પર વોચ રાખતા આખેઆખા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. નિલેશ સાવલિયાની પૂછપરછ કરતા તેની પાસેથી 137 જેટલી દેશભરની અલગ-અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ મળી આવી હતી. જેની ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે નિલેશ સાવલિયાની પૂછપરછ કરતા એવી હકિકત જાણવા મળી હતી કે, ફરીદાબાદના મનોજકુમાર નામના શખ્સ સાથે નિલેશની ઓળખ થઈ હતી. જ્યારે તેની પાસે માર્કશીટની જરૂરિયાતવાળો કોઈ વ્યક્તિ આવતો ત્યારે અન્ય રાજ્યની યુનિવર્સિટીઓની માર્કશીટ તે મનોજકુમાર થકી કઢાવી આપતો હતો. નિલેશ સર્ટિફિકેટના રૂપિયા લઈને તમામ વિગતો પ્રાપ્ત કરતો અને ત્યારબાદ મનોજ કુમારને ફરીદાબાદ ખાતે મોકલી આપતો હતો. મનોજકુમાર દેશની અલગ-અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ ડુપ્લિકેટ બનાવીને કુરિયર કરી નિલેશ સાવલિયાને મોકલી આપતો હતો અને ત્યારબાદ રૂપિયા લઈને નિલેશ સાવલિયા ડુપ્લિકેટ માર્કેટ આપી દેતો.પોલીસે નિલેશ સાવલિયા પાસેથી જુદી જુદી યુનિવર્સિટીઓની 137 ડુપ્લિકેટ માર્કશીટ કબજે કરી હતી જે પૈકી 24 જેટલી માર્કશીટ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છે. આથી પોલીસ દ્વારા તત્કાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ માર્કશીટની વિગત મોકલવામાં આવી હતી. જે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખુલાસો કર્યો હતો કે, આ તમામ માર્કશીટ ડુપ્લિકેટ છે.