અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યા છે. મંગળવારે રાજ્યના રાજકોટ અને ભૂજ સહિત 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું. જો કે હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર જોવા મળી હતી. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં આકાશ વાદળછાંયુ રહેશે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં અગાઉ હિટવેવની આગાહી કરવામાં આવી હતી. અને તેની અસર જોવા મળી હતી. રાજકોટ અને ભુજ સહિત 5 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. હવે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કોઈ પણ જિલ્લામાં હિટવેવની શક્યતાઓ નથી. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરોને લીધે કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેશે. અમદાવાદ સહિતના શહેરોમાં આકાશ વાદળછાંયુ રહેશે. જો કે માવઠાની કોઈ શક્યતાઓ નથી. વાતાવરણના ઊપરી સ્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળ બંધાયા છે. તેને કારણે અમદાવાદ સહિત શહેરોમાં ધૂપછાંવ જેવું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે તેવી શક્યતા છે. ઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓનું મહત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેવાની શક્યતા છે. એટલે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે. ત્યાર બાદ ચોથા અને પાંચમા દિવસે મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન એક ડિગ્રી જેટલું ઘટવાની શક્યતા છે. હાલમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ અને ઉત્તર તરફથી છે. તેને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થોડા પ્રમાણમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો પર પડી રહી છે. તે જ કારણોસર અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી છુટા છવાયા વાદળા જોવા મળશે.