ગુજરાતમાં ફરી તાપમાનમાં થયો વધારો, બુધવારથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ત્યારબાદ ચૈત્ર મહિનાના પ્રારંભમાં પણ કેટલાક વિસ્તારોમાં સમયાંતરે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા બાદ તાપમાનમાં વધારો થયો છે. અને રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 36 ડિગ્રીને વટાવી ગયું છે. ત્યાં ફરીવાર હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાંની આગાહી કરી છે. રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરથી સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાંક વિસ્તારોમાં ઝાપટા પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ઉનાળાના એકથી દોઢ મહિના દરમિયાન વાતાવરણમાં સતત પલટો આવ્યો છે. પ્રતિકૂળ વાતાવરણને લીધે કૃષિપાકને પણ નુકશાની વેઠવી પડી છે. છેલ્લાં ત્રણ દિવસથી અમદાવાદનું વાતાવરણ સ્વચ્છ થયું છે. જેને કારણે તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવે આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી વધવાની શક્યતા છે. જ્યારે રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં ફરી એક વાર માવઠું લાવી શકે છે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. બુધવારે સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં વરસાદની આગાહી છે. તેમજ ગુરુવારના રોજ અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં આગાહી છે. જ્યારે શુક્રવારે ભરુચ, સુરત, નર્મદા અને તાપીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.1 ડિગ્રી નોંધાયું હતું. સુકા ગરમ પવનોની અસરથી અમદાવાદ સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનમાં સક્રિય સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાંક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરના પવનો સાથે કમોસમી વરસાદની વકી છે. 4 એપ્રિલે દ્વારકા, રાજકોટ, મોરબી, જામનગર અને કચ્છ તેમજ 5 એપ્રિલે મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને કચ્છના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં સોમવારે તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો હતો. 37 ડિગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આજે મંગળવારે ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો લગભગ સ્થિર રહ્યો હતો.