Site icon Revoi.in

ગુજરાતમાં આજથી ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થશે, 4થી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે

Social Share

અમદાવાદઃ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી  ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે. અને આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા રાજ્યના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાંયું રહેવાની પણ શક્યતા છે. દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં જુનના પ્રથમ સપ્તાહથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. તેના લીધે દક્ષિણ ગુજરાતમાં 4થી જુનથી વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યના હવામાન વિભાગની આગાહી કરી છે કે,  આજથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. હાલ ગરમીને લઇ કોઈ એલર્ટ નથી. પરંતુ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે. મંગળવારે અમદાવાદમાં તાપમાન 45.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાનમાં નોંધાયું હતું. હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે. 25 – 30 km ની ઝડપે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. આજે ગિરનાર ઉપર આંધી સાથે ભારે પવનને કારણે રોપવે બંઘ રાખવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર વાદળો છવાયા છે. પવનની ગતિ વધુ હોવાથી 2 દિવસથી રોપવે બંધ છે.

હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલના કહેવા મુજબ ગુજરાતમાં જુનના પ્રથમ સપ્તાહથી પ્રિ -મોનસુન એક્ટિવિટી શરૂ થઈ જશે. તેથી જૂનના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદના ઝાપટાં પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો આવશે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં જુનના પ્રથમ પખવાડિયામાં  આંધી વંટોળ સાથે વરસાદ પડશે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.