અમદાવાદઃ ઉનાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં ગત રાતે માવઠું પડતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં બે દિવસ આકાશ વાદળછાંયુ રહેશે. તેમજ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ત્યારે નાગરિકોએ ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરીના અંત સાથે ફરી એકવાર રાજ્યભરમાં ઠંડીની અસર જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ફરી એકવાર ઠંડીનો અહેસાસ થઈ શકે છે. ફેબ્રુઆરીના અંત સુધી ઠંડીનો છેલ્લો રાઉન્ડ સહન કરવો પડશે. માવઠાની શક્યતા નથી, પરંતુ 48 કલાક બાદ ફરી એકવાર સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. પવનોની દિશા બદલાવવાને કારણે રાજ્યભરના મોટાભાગના શહેરોના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હાલ ઉત્તર ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ તરફથી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના શહેરોમાં ઉત્તરપશ્ચિમ દિશા તરફથી પવનની ગતિ રહેશે. ગુજરાતના બંને ભાગો પર આગામી 24 કલાકમાં પવનની ગતિ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે ગુજરાતના બાકીના ભાગોમાં એટલે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ માટે મુખ્યત્વે હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર પશ્ચિમ તરફથી છે, પરંતુ 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ઉત્તર તરફથી પવનો આવશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. અમુક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ અને વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
બનાસકાંઠાના થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. થરાદના અજાવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ વરસતા જીરુ, રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોના માથે પર ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે.