Site icon Revoi.in

ગુજરાતમાં પાંચ દિવસ તાપમાન 43થી 45 ડીગ્રીએ પહોંચશે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના અઢી મહિના દરમિયાન વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદના ઝાપટાં અને ગરમી મિશ્રિત વાતાવરણનો પણ લોકોએ અનુભવ કર્યો હતો. હવે ચોમાસાને દોઢ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતભરમાં કાળઝાળ ગરમી લોકોને સહન કરવી પડશે.આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, સાથે લોકોને બપોરના ટાણે કામ વિના ઘરની બહાર ન નિકળવા તેમજ  ગરમીથી બચવા જણાવાયું છે. મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ઓઆરએસનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસ કાળઝાળ ગરમી સહન કરવી પડશે. તાપમાનનો પારો 43થી 45 ડીગ્રી પહોચી જવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો હતો. એક ખાનગી હવામાન વેબસાઇટના આંકડાઓ મુજબ, સાંજે 5.30 વાગ્યે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડીગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડીગ્રી નોંધાયું હતું.

કમોસમી વરસાદના માર બાદ હવે ગુજરાતીઓને ગરમીમાં સેકાવાનો વારો આવવાનો છે. હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતભરમાં ગરમીનો પારો વધ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, સાથે નાગરિકોએ શું કાળજી રાખવી એની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ORSનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં મેની શરૂઆતથી જ ગરમીનો પારો ઊંચકાતાં પ્રથમ સપ્તાહમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 465 લોકોને પેટના દુ:ખાવા અને 304 લોકોને ચક્કર સાથે બેભાન થવાની તકલીફમાં સારવાર અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. 1થી 7 મે દરમિયાન 108 એમ્બ્યુલન્સને શહેરના વિવિધ વિસ્તારોમાં મળીને ગરમીને કારણે પેટમાં દુખાવો, ડાયેરિયા-વોમિટિંગ સહિતના 1151 કોલ મળ્યા હતા. મ્યુનિ.એ બહાર પાડેલી એડવાઇઝરીમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાને વિશેષ તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને છાશ-પાણી જેવાં પ્રવાહી પીણાં વધુ પ્રમાણમાં લેવાની સલાહ અપાઈ છે. લૂ લાગે તો ચક્કર, સ્નાયુમાં દુખાવો, ઉબકાં, ઊલટી સહિતનાં લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચન કરાયું છે. મ્યુનિ. તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ બીઆરટીએસ અને એએમટીએસનાં કેટલાંક સ્ટેન્ડ પર ઓઆરએસનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે.