અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સાથે તામપાનનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો છે. અને કાલે સોમવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. અને માર્ચના પ્રારંભે તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે. આમ ફાગણ મહિનામાં જ લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હિમાલયના પર્વતમાળામાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે ગત ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવે તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં ફરીથી ગરમીનો પારો 2થી 4 ડિગ્રી ઊંચકાવવાની શક્યતા છે. તેથી ગરમીમાં વધારો થશે. જોકે, ઉત્તરના પવનોને કારણે ભેજનું પ્રમાણ વધતાં બેથી ત્રણ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની સાથે ઝાકળવર્ષા થવાની શક્યતા છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન 2.8 ડિગ્રી વધીને 35.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી ગગડીને 15.1 ડિગ્રી નોંધાતા લોકોએ ડબલ સિઝનનો અનુભવ કર્યો હતો. પરંતુ, શહેરમાં મોડી રાતથી સવાર સુધી ઠંડક રહ્યા બાદ બપોર પછી ગરમીનો પારો ઊંચકાતા બપોરના 1થી 4 વાગ્યા સુધી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વર્તાયું હતું. કાલે સોમવારથી તાપમાનમાં વધારો થશે. અને માર્ચના પ્રારંભથી જ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી જશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 36.0 ડિગ્રી સાથે વલસાડ અને અમરેલી સૌથી ગરમ અને 12.0 ડિગ્રી સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું હતું. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરી જતાં ગરમીમાં વધારો થશે. જો કે માર્ચ મહિનામાં ગરમીમાં વધઘટ થતી રહેશે.