અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. હજુ ફાગણ મહિનો અડધો પુરો થયો નથી ત્યાં આવી સ્થિતિ છે. તો ચૈત્ર અને વૈશાખ મહિનામાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી જશે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી તા. 26મી માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગે ગરમીમાં બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોચી ગયો છે. રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ. જ્યારે રાજ્યના 10 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. અમદાવાદમાં તાપમાન 38.3 ડિગ્રી નોંધાયું હતુ. રાજ્યમાં હજુ પણ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી છે. એક સપ્તાહમાં યાને માર્ચના અંત સુધીમાં તાપમાન 42 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા પોરબંદર, ગીર સોમનાથ, દિવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં હળવો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. અરબ સાગર ઉપરથી આવતા ભેજને કારણે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લામાં સામાન્ય ઝાપટાં પડી શકે છે. ઉપરાંત પવનની ગતિ પણ ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફ રહેતા અરબ સાગર પરના ભેજ ગુજરાત આવશે. જેથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમા ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારો રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 38 અને 37 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનની શક્યતા છે. આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.