અમદાવાદમાં EWS આવાસોમાં રહેતા ભાડુઆતોને મકાન ખાલી કરાવીને મકાન માલિકો સામે કાર્યવાહી કરાશે
અમદાવાદઃ શહેરમાં ઓછી આવક ધરાવતા નબળા વર્ગના લોકો માટે પ્રધામમંત્રી આવાસ યોજના અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવાસ કોલોનો બનાવવામાં આવી છે. જેમાં શહેરના ચાંદખેડા, મોટેરા, ગોતા, બોડકદેવ, નિકોલ, વસ્ત્રાલ, વટવા, ઓઢવ, સહિતના વિસ્તારોમાં બનેલાં સરકારી આવાસ યોજનાનાં મકાનોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કેટલાક અસામાજિક તત્ત્વોની મિલીભગતથી ભાડે આપી દેવામાં આવે છે. ક્યારેક અધિકારીઓ આવાસ યોજનાના મકાનમાં કોણ રહે છે એનું ચેકિંગ કરતા નથી. જેથી હવેથી હાઉસિંગ અને EWS કમિટી દ્વારા સરકારી આવાસ યોજનાનાં મકાનોમાં ભાડે રહેતા લોકોને નોટિસ આપવામાં આવશે અને ખાલી કરવા જણાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણાબધા મકાનોના માલિકોએ મકાનો ભાડે આપીને તગડી કમાણી કરી રહ્યા છે. આમ તો મકાન વિહોણા પરિવારોને મકાન ફાળવવામાં આવતા હોય છે પણ તંત્રની બેદરકારીને કારણે શહેરમાં મકાન ધરાવનારા પરિવારોને પણ મકાનો ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મકાનમાં ભાડુઆત રહેતા હોય તે મકાનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઊઠી છે હાઉસિંગ એન્ડ EWS કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે તાજેતરમાં મળેલી કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે દરેક ઝોનમાં આવેલા આવાસ યોજનાનાં મકાનોમાં જે મકાનમાલિકોએ મકાન ભાડે આપી દીધા છે તેમને નોટિસ આપવામાં આવશે અને સાત વર્ષ સુધી મકાન ભાડે આપી શકાય નહીં. જેમણે પણ મકાન ભાડે આપ્યા છે એવા મકાનમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, શહેરના EWS આવાસ યોજનાનાં મકાનોમાં કમિટીના ચેરમેન, સભ્યો અને અધિકારીઓ મોટી પોલીસફોર્સ સાથે મકાનોમાં ચેકિંગ હાથ ધરશે. જે પણ લોકો ભાડે રહે છે તેમને મકાન ખાલી કરવા જાણ કરવામાં આવશે અને જો તેઓ મકાન ખાલી નહિ કરે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. શહેરમાં 1000થી વધુ મકાનોમાં ગેરકાયદે રીતે લોકો ભાડે રહેતા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. આવાસ યોજનાનાં મકાનોમાં ભાડે મકાન અપાવવા માટે કેટલાક મકાનના દલાલો ખુદ ઓછા ભાડે મકાન અપાવતા હોય છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અને હાઉસિંગના અધિકારીઓની પણ મિલીભગત હોય છે.