Site icon Revoi.in

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ તોડવા માટે હવે ચાર-પાંચ દિવસમાં ટેન્ડર બહાર પડાશેઃ મ્યુનિ,કમિશનર

Social Share

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવેલો હાટકેશ્વર બ્રિજ નબળા બાંધકામને લીધે માત્ર ચાર વર્ષમાં જર્જરિત બની ગયો હતો. આ અંગે ભારે વિવાદ સર્જાતા એએમસીએ બ્રીજના કાન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તેમજ તપાસ એજન્સીઓએ પણ બ્રિજ તોડી નાંખવાની ભલામણ કરી હતી. પરંતુ મ્યુનિ. દ્વારા બ્રિજ તોડી નાંખવાનો નિર્ણય લેવામાં આવતો નહતો. મ્યુનિ.ની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા હાટકેશ્વર બ્રિજ મામલે જવાબ આપ્યો હતો કે, આગામી 4-5 દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવાના ટેન્ડર બહાર પાડવામાં આવશે.

એએમસીના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ રોડને જોડતો છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ એટલે કે, હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયેલો છે. ખાનગી અને સરકારી સંસ્થાઓએ આ ફ્લાયઓવરના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા કર્યા હતા. સાથે તેને તોડી પાડવાની ભલામણ પણ કરી દીધી હતી. ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના અસ્તિત્વમાં આવ્યાના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે, કોઇ મ્યુનિ.કોર્પોરેશને ફ્લાયઓવર બાંધ્યો હોય અને તે પાંચ વર્ષમાં તોડવો પડે તેવી નોંબત આવી હોય. 100 વર્ષનું આયુષ્ય ધરાવતો હાટકેશ્વર ફ્લાયઓવર 5 વર્ષમાં જ ખખડી ગયો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં  છેલ્લા બે દાયકામાં બનેલા તમામ બ્રિજની ગુણવત્તા શંકાના દાયરામાં છે. કારણ કે, મોટાભાગના કિસ્સામાં આ જ અધિકારીઓ અને કન્સલટન્ટોની દેખરેખ હેઠળ છેલ્લા બે દાયકામાં 10થી વધુ બ્રિજ કે અંડરપાસ બન્યા છે. હવે સમય આવી ગયો છે કે, છેલ્લા બે દાયકામાં બનેલા તમામ બ્રિજ કે અંડરપાસના ટેસ્ટ કરાવવા જોઇએ. ઉદાહરણ તરીકે, વિઝ્યુઅલ ઇન્સપેક્શન બાદ હવે 82 બ્રિજ પૈકી જે બ્રિજ છેલ્લાં બે દાયકામાં બન્યા છે તેમના મટિરિયલની ચકાસણી કરવી જોઇએ. તેના સ્ટ્રકચરની ચકાસણી પણ થવી જોઇએ. છેલ્લા બે દાયકામાં બનેલા તમામ અંડરપાસ, ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજના 1. રિબાઉન્ડ હેમર ટેસ્ટ 2. અલ્ટ્રા સોનિક પલ્સ વેલોસીટી (યુપીવી) તથા 3. ક્રોકિટ કોર ટેસ્ટ કરાવવા જોઇએ. આ ઉપરાંત અન્ય જૂના બ્રિજ છે જેની સ્થિતિ સાવ ખરાબ છે, તેવા તમામ બ્રિજના NDT ટેસ્ટ કરાવવા જોઇએ.