- સેન્સેક્સ 1800 પોઈન્ટનો કડાકો સાથે 56,500ની નીચે ગયો
- નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો
- શેરબજારોમાં આજે 2 ટકા સુધીનો ઘટાડો
નવી દિલ્હીઃ સ્થાનિક શેરબજારોમાં સોમવારના દિવસે ફરી ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહની શરૂઆત બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ 1800 પોઈન્ટના ઘટાડા સાથે 56,500ની નીચે ગયો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો અને 16900ની નીચે પહોંચી ગયો હતો.
બજાર ખુલતાની સાથે કારોબારમાં સેન્સેક્સ 1,500 પોઈન્ટથી વધુ ઘટીને 57,000 ની નીચે ગયો હતો. આવી જ રીતે નિફ્ટીમાં 450 થી વધુ પોઈન્ટ્સનું નુકસાન થયું હતું. સ્થાનિક શેરબજારોમાં આજે 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આજે દલાલ સ્ટ્રીટ પર તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળ્યાં હતા. સૌથી વધુ ઘટાડો બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં નોંધાઈ રહ્યો છે.
રશિયા-યુક્રેન વચ્ચેના તણાવની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ પણ 2 ટકા તૂટ્યો હતો. ક્રુડ ઓઈલ માર્કેટમાં તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 1 ટકા વધીને 95 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. છેલ્લા સપ્તાહના કુલ ટ્રેડિંગ પર નજર કરીએ તો, સેન્સેક્સમાં ટોચની 10 કંપનીઓમાંથી નવ કંપનીઓની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 1,03,532.08 કરોડ ઘટી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી રોકાણકારોને લાખોનું નુકશાન થયું છે.