યુક્રેન-રશિયા વચ્ચેના તણાવની અસર સતત પાંચમાં દિવસે ભારતીય શેર બજાર ઉપર જોવા મળી
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ભારતીય શેર બજાર ઉપર જોવા મળી રહી છે. અઠવાડિયાના બીજા દિવસે પણ બજારમાં વેચવાલી ભારે રહી હતી. સેંસેક્સ 382.91 અંક એટલે કે 0.66 ટકા તુટીને 57300.68 અંક ઉપર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 114.45 અંક એટલે કે 0.67 ટકા તુટીને 17092.20 ઉપર બંધ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેન-રશિયા વચ્ચે ઉભા થયેલા યુદ્ધના સંકટને પગલે ગ્લોબલ માર્કેટને ભારે નુકસાન થયું છે જેની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી રહી છે. યુદ્ધની ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે આજે સતત પાંચમા દિવસે પણ શેર બજાર નીચે પટકાયું હતું. બજાર ખુલતાની સાથે જ સેંસેક્સ 1000 અંક અને નિફ્ટી 350 જેટલો નીચે જોવા મળ્યો હતો. યુક્રેને લઈને ઉભા થયેલા સંકટમાં બજારમાં હાલ કોઈ રાહત જોવા નહીં મળતી હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે.
બીએસઈ સેંસેક્સ અને એનએસઆઈ નિફ્ટી બંનેની પ્રી-ઓપન સેશનમાં જ હાલત યોગ્ય ન હતી. ગણતરીની મિનિટોમાં જ બજારમાં ભારે ઉથલ-પાથલના અણસાર જોવા મળ્યાં હતા. એક સમયે 150 અંકની બજારે રિકવરી કરી હતી પરંતુ સવારે 9.20 કલાકે ફરીથી સેંસેક્સ 990 અંક નીચે પટકાયો હતો અને 56700 અંકથી નીચે ટ્રેડ કરતો હતો. બીજી તરફ નિફ્ટી 300થી વધારે અંક તુટીને 17 હજારથી પણ નીચે જતો રહ્યો હતો. યુક્રેન-રશિયા વચ્ચેની પરિસ્થિતિને પગલે રોકાણકારોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. જો બંને દેશ વચ્ચે શાંતિ નહીં સંધાય તો બજારની પરિસ્થિતિ વધારે ખરાબ થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
યુદ્ધની આશંકાને પગલે દુનિયાભરના રોકાણકારોમાં ભય છે અને સુરક્ષિત રોકાણ તરફ નજર દોડાવી રહ્યાં છે. જેના કારણે દુનિયાભરના બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. તેની અસર મંગળવારે સ્થાનિક બજારોમાં પણ જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે સેંસેક્સ 1000 અને નિફ્ટી 250થી વધારે નીચે પટકાયો હતો.